ક્યુઆર કોડથી પેમેન્ટ મેળવતા વેપારીઓ તપાસના ઘેરામાં
( પ્રતિનિધિ )વડોદરા,તા.18
ક્યુઆર કોડથી પેમેન્ટ મેળવતા વેપારીઓ સામે જીએસટી વિભાગ એ લાલઆંખ કરી છે. ડિજિટલ પેમેન્ટ દ્વારા થતી આવકને જીએસટી રિટર્નમાં નહીં દર્શાવનાર વેપારીઓ જીએસટી વિભાગની રડારમાં આવ્યા છે.
નાના અને મધ્યમ કદના વેપારીઓ જેઓ દુકાનોમાં ગ્રાહકો પાસેથી ડિજિટલ પેમેન્ટ મેળવે છે. પરંતુ, તે રકમને ધંધાકીય ખાતાને બદલે વ્યક્તિગત બેંક ખાતામાં જમા કરાવે છે. તેઓ હવે સીધા તપાસના ઘેરામાં આવ્યા છે. ઘણા કિસ્સામાં વાસ્તવિક વેચાણના આંકડા અને જીએસટી રિટર્નમાં જાહેર કરાયેલા આંકડા વચ્ચે મોટો તફાવત જોવા મળી રહ્યો છે. આ વિસંગતતાઓને પકડવા માટે ટેક્સ વિભાગ હવે વિવિધ બેંકો અને પેમેન્ટ ગેટવે પાસેથી ડેટા મેળવી રહ્યું છે. જેનું મિલાન વેપારી દ્વારા ફાઇલ કરવામાં આવેલા રિટર્ન સાથે કરવામાં આવશે. જો કોઈ વેપારીના ડિજિટલ વ્યવહારો તેના જાહેર કરેલા ટન ઓવર કરતા વધારે જણાશે તો તેમને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવશે અને બાકી ટેક્સની સાથે દંડનીય કાર્યવાહી પણ થઈ શકે છે. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ સિસ્ટમમાં પારદર્શિતા લાવવાનું અને ડિજિટલ માધ્યમનો દુરુપયોગ કરીને થતી ટેક્સની ચોરી અટકાવવાનો છે.