ગાંધીનગર,તા.16
ગુજરાતમાં સર્વગ્રાહી વિકાસ અને સુશાસનના લક્ષ્યાંક સાથે વિવિધ સ્તરે મહત્વપૂર્ણ ગતિવિધિઓ તેજ બની છે, ત્યારે ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે ‘GATE-2026’ ટ્રેડ એક્સપોના પ્રારંભ દ્વારા ગુજરાતને ઔદ્યોગિક અને ટેકનોલોજીકલ પાવરહાઉસ તરીકે રજૂ કર્યું છે, જેમાં રાજ્યનો દેશની નિકાસમાં ૩૧% અને જીડીપીમાં ૮.૩% ફાળો નોંધપાત્ર છે. ગાંધીનગરના એક્ઝીબિશન સેન્ટર ખાતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) દ્વારા આયોજિત ત્રિદિવસીય એન્યુઅલ ટ્રેડ એક્સપો ‘GATE-2026’ (ગુજરાત એડવાન્સ્ડ ટેક્નોલોજી એન્ડ ઈકોનોમી એક્સ્પો)નું મુખ્યમંત્રી દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ એક્સપો એમ.એસ.એમ.ઈ. (MSME) અને યુવા સાહસિકો માટે ‘લોકલથી ગ્લોબલ’ બનવાનું સશક્ત પ્લેટફોર્મ પૂરું પાડશે.
મુખ્યમંત્રીએ રાજ્યની આર્થિક ક્ષમતાના આંકડા રજૂ કરતા જણાવ્યું હતું કે
• GDP: દેશના કુલ જી.ડી.પી.માં ગુજરાત 8.3 ટકા ફાળો આપે છે.
• ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ: દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 18 ટકા છે.• નિકાસ (Export): દેશની કુલ નિકાસમાં ગુજરાત 31 ટકા સાથે અગ્રેસર છે.તેમણે કહયું હતું કે વિકસિત ભારત @ 2047 ના લક્ષ્યાંકને સાકાર કરવા માટે ‘વિકસિત ગુજરાત @ 2047’નો રોડમેપ તૈયાર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે.
ગ્રીન ગ્રોથ અને સેમીકન્ડક્ટર પર ભાર
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીના ‘મેઈક ઈન ઈન્ડિયા’ અને ‘મેઈડ ફોર ધ વર્લ્ડ’ના ધ્યેયને સાકાર કરવા ગુજરાત ગ્રીન ગ્રોથ, રિન્યુએબલ એનર્જી, EV મેન્યુફેક્ચરિંગ અને સેમિકન્ડક્ટર જેવા ઉભરતા ક્ષેત્રોમાં નેતૃત્વ લઈ રહ્યું છે. તેમણે ઉદ્યોગ જગતને સરકાર સાથે ખભેખભા મિલાવીને કામ કરવા આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે ટોરેન્ટ પાવર લિમિટેડના એમડી જીનલ મહેતાએ વૈશ્વિક સ્તરે ભારતની વધતી આર્થિક ક્ષમતા અને ગુજરાત સરકારની ઉદ્યોગ-મિત્ર નીતિઓની પ્રશંસા કરી હતી. આ એક્સપો આગામી તા. 18 એપ્રિલ સુધી ચાલશે, જેમાં હજારો વેપારીઓ અને સાહસિકો ભાગ લેશે. GCCI ના પ્રમુખ સંદીપ એન્જિનિયરે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ ગુજરાતના ઔદ્યોગિક ઉત્થાન અને ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવા તરફનું એક નિર્ણાયક કદમ છે. આ પ્રદર્શનમાં ૬૧૦ જેટલા એક્ઝિબિટર્સે ઉત્સાહભેર રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અત્યાર સુધીમાં અંદાજે ૩૦ હજારથી વધુ મુલાકાતીઓ આ પ્રદર્શન નિહાળવા માટે નોંધણી કરાવી ચૂક્યા છે અને આગામી દિવસોમાં આ આંકડો ૫૦ હજાર સુધી પહોંચે તેવી પ્રબળ શક્યતા છે. આ પ્રતિસાદ ગુજરાતની મજબૂત આર્થિક ક્ષમતા અને નવી ટેકનોલોજી પ્રત્યેના આકર્ષણને દર્શાવે છે.
એક્સપોની વિશેષતાઓ
આ ટ્રેડ એક્સપો ગાંધીનગરમાં 18,000 ચોરસ મીટરની વિશાળ જગ્યામાં યોજાઈ રહ્યો છે, જેમાં
- વિવિધ સેક્ટર્સ: ઓટોમોબાઈલ, રિન્યુએબલ એનર્જી, આઈ.ટી., ફાર્માસ્યુટીકલ્સ, ટેક્સટાઈલ્સ જેવા 16થી વધુ સેક્ટર્સના સ્ટોલ્સ છે.
- નવી ટેકનોલોજી: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સાઈબર સિક્યુરીટી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
- પ્રચંડ પ્રતિસાદ : આ પ્રદર્શનમાં 610 થી વધુ એક્ઝિબિટર જોડાયા છે અને અંદાજે 50 હજાર જેટલા મુલાકાતીઓ આવે તેવી શક્યતા છે.