Vadodara

વડોદરામાં ચૂંટણી બહિષ્કારના સૂર: ન્યુ સમા રોડના રહીશોએ નેતાઓને પરખાપ્યા તેવા વેણ​

વેણ​ વોર્ડ નં-2 માં વણઉકેલ્યા પ્રશ્નોને લઈ જનતાનો આકરો મિજાજ; ‘મત માંગવા અંદર આવવું નહીં’ ના બેનરો સાથે વિરોધ પ્રદર્શન

વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે શહેરના ન્યુ સમા રોડ વિસ્તારમાં સ્થાનિક રહીશોનો ભારે આક્રોશ સામે આવ્યો છે. વોર્ડ નંબર 2 માં આવેલી લક્ષ્મીકુંજ સોસાયટીના રહીશોએ સંગઠિત થઈને આગામી કોર્પોરેશનની ચૂંટણીનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
સોસાયટીના રહીશોએ પોતાનો વિરોધ પ્રદર્શિત કરવા માટે સોસાયટીના મુખ્ય પ્રવેશદ્વાર પર મોટા અક્ષરોમાં બેનરો અને પોસ્ટરો લગાવી દીધા છે. આ પોસ્ટરોમાં સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે કે કોઈપણ પક્ષના કે અપક્ષ ઉમેદવારે મત માંગવા માટે સોસાયટીની અંદર પ્રવેશ કરવો નહીં. રહીશોનો આરોપ છે કે છેલ્લા લાંબા સમયથી તેઓ પાયાની સુવિધાઓ અને વણઉકેલ્યા પ્રશ્નોને લઈને હેરાન થઈ રહ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વિસ્તારની સમસ્યાઓ અંગે અવારનવાર રજૂઆતો કરવા છતાં તંત્ર કે રાજકીય નેતાઓ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. વર્ષોથી પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા હવે જનતાએ ચૂંટણી ટાણે જ નેતાઓને પાઠ ભણાવવાનું મન બનાવી લીધું છે. રહીશોમાં જોવા મળી રહેલો આ આકરો મિજાજ દર્શાવે છે કે માત્ર વાયદાઓથી હવે જનતા સંતોષાય તેમ નથી.
એક તરફ રાજકીય પક્ષો અને ઉમેદવારો ઘરે-ઘરે જઈને પ્રચાર કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ લક્ષ્મીકુંજ સોસાયટીમાં લાગેલી આ ‘નો એન્ટ્રી’ ઉમેદવારો અને પક્ષના મોવડીઓ માટે ચિંતાનો વિષય બની છે. રહીશોના આ એકસૂર અવાજે રાજકીય ગણિતો બગાડી નાખ્યા છે અને હવે ઉમેદવારો માટે આ વિસ્તારમાં જઈને મત માંગવા તે મોટો પડકાર બની રહેશે.

Most Popular

To Top