અસામાજિક પ્રવૃત્તિ રોકનાર નાગરિકો સાથે ઘર્ષણ, ગાળોથી વિસ્તારનું વાતાવરણ તંગ
વડોદરા |
વડોદરા શહેરમાં ચાલી રહેલા ચૂંટણીના માહોલ વચ્ચે બુટલેગરો બેફામ બન્યા હોવાનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. હુજરાત ટેકરા વિસ્તારમાં મોડી રાત્રે એક નામચીન બુટલેગર અને તેના મળતીયાઓ દ્વારા દારૂની પેટીઓ કટીંગ કર્યા બાદ તેના ખાલી બોક્સ જાહેર માર્ગ પર સળગાવી ગટરમાં નાંખી દેવાયા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાનો વિડિયો એક નાગરિકે મોબાઇલમાં કેદ કરી વાયરલ કર્યો હતો.

મળતી માહિતી મુજબ, મહેન્દ્ર નામનો બુટલેગર અગાઉ પણ પ્રોહિબિશનના ગુનામાં પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો હોવા છતાં દારૂનો ગેરકાયદેસર વેપાર ચાલુ રાખતો હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. ઘટનાની રાત્રે વિસ્તારના કેટલાક જાગૃત લોકોએ આ પ્રવૃત્તિ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ “ઉલ્ટા ચોર કોતવાલને દાટે” જેવી સ્થિતિ સર્જાઈ હતી. મહેન્દ્ર અને તેનો સાગરીત અક્ષિત દ્વારા તેમને રોકનાર નાગરિકો સાથે ઘર્ષણ કરી ગાળો-ગાળ સાથે આતંક ફેલાવવાનો પ્રયાસ કરાયો હતો. ઘટનાને કારણે વિસ્તારમાં ભય અને તંગદિલીનું વાતાવરણ સર્જાયું હતું.

દારૂની પેટીઓ ખાલી કર્યા બાદ તેના પુઠાના બોક્સ જાહેર માર્ગ પર સળગાવી ગટરમાં નાંખવામાં આવતા સમગ્ર બનાવનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. લોકો દ્વારા આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. ⚖️