Vadodara

પદમલા પથ્થરમારા કેસમાં પોલીસનું રી-કન્સ્ટ્રક્શન: 16 આરોપીઓને સાથે રાખી ઘટનાક્રમ ફરી બનાવાયો

બાઈક ઓવરટેકના મુદ્દે બે જૂથ આમને-સામને, 27 લોકો સામે નોંધાયો ગુનો
વડોદરા, તા. 2
વડોદરા જિલ્લાના પદમલા ગામે બાઈક ઓવરટેક કરવાની સામાન્ય બાબતને લઈ બે જૂથ વચ્ચે થયેલા ઝઘડાએ ગંભીર રૂપ ધારણ કરતાં પથ્થરમારાની ઘટના સર્જાઈ હતી. આ મામલે છાણી પોલીસે ઝડપી કાર્યવાહી કરીને 27 આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો અને તેમાંના 16 આરોપીઓને ઝડપી પાડી ઘટનાનું સ્થળ પર રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.
બોલાચાલીથી શરૂ થયેલો ઝઘડો પથ્થરમારામાં ફેરવાયો
માહિતી મુજબ પદમલા ગામે રહેતા રાકેશ અને પૃથ્વી વચ્ચે બાઈક ઓવરટેક કરવા મુદ્દે પહેલા બોલાચાલી થઈ હતી. ત્યારબાદ 30 માર્ચે ફરી એ જ મુદ્દે બંને વચ્ચે વિવાદ વધતા બંને પક્ષના લોકો સામસામે આવી ગયા હતા.
રાત્રિના સમયે હાથાપાઈ, મારામારી અને ભારે પથ્થરમારો થતાં સમગ્ર વિસ્તારમાં તણાવનું વાતાવરણ સર્જાયું હતું.
CCTV અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે 16 આરોપીઓ ઝડપાયા
ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને છાણી પોલીસ સ્ટેશનમાં બંને પક્ષો સામે અલગ અલગ ગુનાઓ નોંધવામાં આવ્યા હતા, જેમાં કુલ 27 આરોપીઓને સામેલ કરવામાં આવ્યા છે. પોલીસે CCTV ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઝડપી તપાસ કરીને 16 આરોપીઓને પકડી પાડ્યા હતા. ત્યારબાદ આરોપીઓને સાથે રાખીને પદમલા ગામે લઈ જઈ સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
ઘટના બાદ ગામમાં ભયનો માહોલ સર્જાતા કાયદો-વ્યવસ્થા જાળવવા માટે વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

Most Popular

To Top