World

હવાઈ હુમલા બાદ હવે જમીન પર યુદ્ધ? યુએસની નવી સ્ટ્રેટેજી પર ઉઠતા પ્રશ્નો

મિડલ ઇસ્ટમાં ચાલી રહેલું આકાશી યુદ્ઘ હવે જમીન માર્ગે આગળ વધવાની સંભાવનાઓ સાથે દુનિયામાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. આ તણાવ હવે એવા મુકામે પહોંચી ગયું છે, જ્યાં પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. United States અને Iran વચ્ચે વધતા સંઘર્ષ વચ્ચે હવે એવી ચર્ચા છે કે અમેરિકા ઈરાનની અંદર જમીન પર સૈનિકો ઉતારવાની તૈયારી કરી રહ્યું છે. Donald Trumpના “અમેરિકા ફર્સ્ટ” અભિગમ હેઠળ શરૂ થયેલું ઓપરેશન હવે ત્રીજા અઠવાડિયામાં પહોંચી ગયું છે અને સ્થિતિ સતત બદલાઈ રહી છે. આજે યુદ્ધ પતશે, કાલે પતશેની વાતો વચ્ચે અમેરિકાના રક્ષા વિભાગ તરફથી મળતા સંકેતો મુજબ, અત્યાર સુધી હજારો ઈરાની સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. અમેરિકાનો દાવો છે કે ઈરાનની હવાઈ સુરક્ષા પ્રણાલી અને મિસાઈલ-ડ્રોન બનાવતી સુવિધાઓને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. પરંતુ હવે ચર્ચા ફક્ત હવાઈ હુમલાથી આગળ વધી રહી છે. પેન્ટાગોનમાં ઈરાનની જમીન પર સૈનિકો ઉતારવાની યોજના પર વિચાર થઈ રહ્યો છે. ખાસ કરીને ખાર્ગ ટાપુ ખૂબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે, કારણ કે ઈરાનની લગભગ 90% તેલ નિકાસ અહીંથી થાય છે. નિષ્ણાતો માને છે કે આ ટાપુને નાશ કરવા કરતાં કબજે કરવું અમેરિકા માટે વધુ ફાયદાકારક બની શકે છે. જો આવું થાય, તો ઈરાનની અર્થવ્યવસ્થા પર સીધી અસર પડી શકે છે. પરંતુ આ મિશન ખૂબ જોખમી માનવામાં આવે છે, કારણ કે ઈરાન પાસે હજુ પણ મિસાઇલ અને ડ્રોનનો મજબૂત પુરવઠો છે. ઇરાને કરેલા એક દાવા મુજબ એમણે વાપરેલી આ મિસાઇલો અને ડ્રોનનો સ્ટોક એમણે જે વાપર્યો એ તો જૂનો સ્ટોક છે. એમના પાસે આનાથી પણ પાવરફૂલ હથિયારો છે.

અત્યાર સુધી ઇરાને અમેરિકા અને ઇઝરાઇલને બરાબરની ટક્કર આપી છે. અમેરિકાની ચિંતા ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને પણ છે. નાતાન્ઝ, ફોર્ડો અને ઇસ્ફહાન જેવી પરમાણુ સુવિધાઓ ખૂબ જ સુરક્ષિત જગ્યાએ બનાવવામાં આવી છે. નિષ્ણાતો કહે છે કે આવી જગ્યાઓને નિશાન બનાવવા માટે ખાસ દળો જેવી કે નેવી સીલ અથવા ડેલ્ટા ફોર્સની જરૂર પડી શકે છે, જે આ મિશનને વધુ જટિલ બનાવે છે. લશ્કરી વિશ્લેષકો ચેતવણી આપે છે કે ઈરાન, ઇરાક કે અફઘાનિસ્તાન જેવું સરળ ટાર્ગેટ નથી. તેની પાસે મોટી અને પ્રશિક્ષિત સેના છે, જેમાં ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) જેવી શક્તિશાળી યુનિટનો સમાવેશ થાય છે. ઉપરાંત, ઈરાનની ડ્રોન ટેકનોલોજી અને દરિયાઈ શક્તિ પણ અમેરિકા માટે મોટો પડકાર બની શકે છે.

જો અમેરિકી સૈન્ય હોર્મુઝ સ્ટ્રેટ નજીક ઉતરવાનો પ્રયાસ કરે, તો તેને ડ્રોન, માઇન અને આત્મઘાતી બોટ જેવા ખતરાઓનો સામનો કરવો પડી શકે છે. નિષ્ણાતો માને છે કે આવી કોઈ કાર્યવાહી ખૂબ જ લોહિયાળ અને લાંબી થઈ શકે છે. આ વચ્ચે, અમેરિકાની અંદર પણ આ નિર્ણયને લઈને વિરોધ વધી રહ્યો છે. સર્વે મુજબ મોટા ભાગના લોકો ઈરાનમાં સૈનિકો મોકલવાના વિરોધમાં છે. ઇતિહાસ પણ બતાવે છે કે અફઘાનિસ્તાન અને ઇરાકમાં થયેલા યુદ્ધ લાંબા અને ખર્ચાળ સાબિત થયા હતા. હાલની પરિસ્થિતિ જોતા, અમેરિકા પહેલેથી હવાઈ દબાણ વધારવા પર ધ્યાન આપી રહ્યું છે, પરંતુ જો જમીન પર સૈન્ય ઉતારવાનો નિર્ણય લેવાશે, તો તે સમગ્ર વિસ્તારમાં વધુ મોટા સંઘર્ષનું કારણ બની શકે છે. હવે દુનિયાની નજર આ પરિસ્થિતિ પર છે કે શું આ માત્ર દબાણ બનાવવાની રણનીતિ છે કે ખરેખર યુદ્ધનો નવો તબક્કો શરૂ થવાનો છે.

Most Popular

To Top