Vadodara

સ્માર્ટ વડોદરા કે માત્ર ‘કાગળ પર’ સફાઈ? વોર્ડ 14 માં પાલિકાનું ‘વન ડે – વન રોડ’ અભિયાન માત્ર દેખાડો કે ફોટો સેશન?

લહેરીપુરા અને એમ.જી. રોડ પર દબાણોનો ભરડો યથાવત: સફાઈના ગણતરીના કલાકોમાં જ રસ્તાઓ ‘જૈસે થે’, ઇમરજન્સી સેવાઓ માટે ટ્રાફિક મોટું જોખમ

વડોદરા: મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટે ‘વન ડે – વન રોડ’ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, પરંતુ જનતા હવે આ કામગીરી સામે સવાલો ઉઠાવી રહી છે. શુક્રવારે વોર્ડ નંબર 14 ના લહેરીપુરા દરવાજા અને એમ.જી. રોડ જેવા શહેરના હાર્દ સમાન વિસ્તારોમાં પાલિકાએ સફાઈ ઝુંબેશ તો હાથ ધરી, પરંતુ આ અભિયાન માત્ર કાગળ પર કે ફોટા પડાવવા પૂરતું જ સીમિત હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે પાલિકાની ટીમ સફાઈ કરીને જાય તેના ગણતરીના કલાકોમાં જ પરિસ્થિતિ ફરી ‘જૈસે થે’ થઈ જાય છે. જે દબાણો દૂર કરવામાં આવે છે, તે ટૂંકા સમયમાં પુનઃ સ્થાપિત થઈ જાય છે. સવાલ એ ઊભો થાય છે કે આ દબાણો ફરી ન થાય તેની તકેદારી રાખવાની જવાબદારી કોની? શું પાલિકા પાસે આના કાયમી નિકાલ માટે કોઈ આયોજન છે ખરું?

શહેરના મધ્યમાં આવેલો આ વિસ્તાર કાયમી ધોરણે ગેરકાયદેસર દબાણોથી ઘેરાયેલો રહે છે. અહીં રીક્ષા ચાલકો, પથારાવાળા અને લારી-ગલ્લાના કારણે રસ્તાઓ સાંકડા બની ગયા છે. આડેધડ પાર્કિંગને કારણે સવારથી સાંજ સુધી ટ્રાફિક જામની સમસ્યા વિકરાળ બની છે.

સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે આ વિસ્તારમાં ટ્રાફિક એટલો પ્રચંડ હોય છે કે જો કોઈ આકસ્મિક ઘટના બને કે આગ લાગે, તો એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડ જેવા વાહનોને પસાર થવું અશક્ય બની જાય છે. લોકો પૂછી રહ્યા છે કે શું પાલિકા કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહી છે?

જનતાની માંગ છે કે જો વડોદરાને સાચા અર્થમાં ‘સ્માર્ટ સિટી’ બનાવવું હોય, તો માત્ર રસ્તા સાફ કરવાથી કંઈ નહીં વળે. પાલિકાએ સંતોષ માની બેસી રહેવાને બદલે આ ગંભીર દબાણો દૂર કરવાને પ્રાથમિકતા આપવી જોઈએ. માત્ર અભિયાન ચલાવવાને બદલે કાયમી અમલીકરણ અને કડક કાર્યવાહીની જરૂર છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

Most Popular

To Top