અચાનક વાતાવરણમાં પલટો, વીજળીના કડાકા-ભડાકા સાથે તોફાની પવન
પાકોને નુકસાનની ભીતિ, ખેડૂતો દ્વારા સહાયની માંગ
શિનોર, તા. 20
શિનોર પંથકમાં ગુરુવારે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા અનેક ગામોમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે સમગ્ર વિસ્તાર અંધકારમય બની ગયો હતો.

મળતી માહિતી મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે આ અચાનક હવામાન ફેરફાર નોંધાયો હતો. ભારે પવન સાથે ઝરમર વરસાદ પણ વરસ્યો હતો, જેના કારણે સામાન્ય જનજીવન પર અસર પડી હતી.
શિનોર ખાતે તોફાની પવનના કારણે એક મકાનની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

આ વાવાઝોડા જેવી સ્થિતિના કારણે મકાઈ, દિવેલા, ઘઉં અને કેરી જેવા પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ ગઈ છે.
ખેડૂતો દ્વારા તાત્કાલિક નુકસાનનું સર્વેક્ષણ કરી સરકાર તરફથી યોગ્ય સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.
રિપોર્ટર: અમિત સોની