પાણીગેટ અને દાંડિયાબજાર ફાયર સ્ટેશનના જવાનોએ બાજી સંભાળી લીધી :
શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાયું :
( પ્રતિનિધિ )વડોદરા,તા.19
વડોદરાના માંડવી પાસે આવેલા લાકડાના બે મજલી મકાનના બીજા માળે ભીષણ આગ લાગતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. જોકે, પાણીગેટ અને દાંડિયા બજાર ફાયર સ્ટેશનના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો.

વડોદરા શહેરમાં ગરમીના પ્રારંભે આગ લાગવાનો સિલસિલો આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે. તેવામાં માંડવી નજીક આવેલ ગાયકવાડ શાસનકાળ દરમિયાનના લાકડાના બે મજલી મકાનના બીજા માટે આગ લાગતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. જોકે એમજી રોડ પર એક મોટું બજાર હોય આગની આ ઘટનાથી વિવિધ સર સામાનની દુકાન ધરાવતા વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો.

બનાવની જાણ કરવામાં આવતા પાણીગેટ અને દાંડિયા બજાર ફાયર સ્ટેશનના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અડધો કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. સબ ફાયર ઓફિસર પ્રતાપ ડામોરે જણાવ્યું હતું કે, આગને સંપૂર્ણ કાબુમાં લઈ લીધી હતી લાકડાનું મકાન હતું, એટલે આગ વિકરાળ બની હતી. દાંડિયા બજાર અને પાણીગેટ ફાયર સ્ટેશનનો સ્ટાફ આવી ગયો હતો, સાથે પોલીસ પણ આવી પહોંચી હતી અને એમજી રોડ પર લોકોની અવરજવર બંધ કરી આગ પર કાબુ મેળવવા કાર્યવાહી હાથધરી હતી.

આશરે અડધો કલાકની જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. અમે આવ્યા ત્યારે આખા મકાનમાં ધુમાડો પ્રસરી ગયો હતો. કોઈ હાજર નહીં હોવાથી જાનહાની થતા ટળી છે. જોકે, શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું હતું. સદનસીબે કોઈ હાજર નહીં હોવાથી જાનહાની થતા ટળી હતી.