ગાંધીનગર : રાજ્યના સામાન્ય વહીવટ વિભાગની રૂ. ૨૦૫૧.૨૭ કરોડની અંદાજપત્રીય માગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર થઈ છે. ચર્ચા દરમિયાન મંત્રી ઈશ્વરસિંહ પટેલએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ‘સુશાસન, સેવા, સંકલ્પ અને સમર્પણ’ના મંત્ર સાથે છેવાડાના નાગરિક સુધી વિકાસ પહોંચાડવા પ્રતિબદ્ધ છે. રાજ્યના વિકેન્દ્રિત વિકાસને વેગ આપવા જિલ્લા આયોજનના બજેટમાં અંદાજિત રૂ. ૫૦૦ કરોડનો વધારો કરીને કુલ રૂ. ૨૧૦૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ ધારાસભ્ય વિસ્તાર વિકાસ ગ્રાંટ રૂ. ૧.૫ કરોડથી વધારીને રૂ. ૨.૫ કરોડ કરવામાં આવી છે, જેમાં જળસંચયનાં કામો માટે ઓછામાં ઓછા રૂ. ૫૦ લાખ ખર્ચ ફરજિયાત બનાવાયો છે. રોજગારી ક્ષેત્રે મોટો નિર્ણય લેતાં રાજ્ય સરકારે ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે, જેમાં ૨૦૨૪થી ૨૦૩૩ દરમિયાન ૨ લાખથી વધુ સરકારી જગ્યાઓ ભરવાનું આયોજન છે. યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષામાં આગળ વધારવા માટે SPIPA મારફતે તાલીમને વેગ આપવામાં આવ્યો છે, જેના પરિણામે UPSCમાં નોંધપાત્ર સફળતા મળી રહી છે.
પટેલે કહયું હતું કે કર્મચારીઓના કલ્યાણ માટે ‘ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના’ શરૂ કરવામાં આવી છે, જેમાં ૬.૫ લાખ કર્મયોગીઓને રૂ. ૧૦ લાખ સુધીની કેશલેસ તબીબી સારવારનો લાભ મળશે. સાથે જ વહીવટી પ્રક્રિયાઓને વધુ પારદર્શક અને આધુનિક બનાવવા ‘ગુજરાત વહીવટી સુધારણા પંચ’ની રચના કરીને અનેક સુધારા અમલમાં મૂકવામાં આવી રહ્યા છે.ડિજિટલ ગવર્નન્સને મજબૂત બનાવવા ‘CM ડેશબોર્ડ’, ‘મારી યોજના પોર્ટલ’ અને આયોજન પોર્ટલ જેવા પ્લેટફોર્મ કાર્યરત છે, જ્યાં ૬૮૦થી વધુ યોજનાઓની માહિતી એક ક્લિક પર ઉપલબ્ધ છે. સાથે જ તાલીમ, રિયલ ટાઈમ મોનિટરિંગ અને GRIT જેવી નવી પહેલો દ્વારા રાજ્યમાં વહીવટને વધુ કાર્યક્ષમ બનાવવામાં આવી રહ્યો છે.આમ, બજેટમાં કરાયેલા આ નિર્ણયો દ્વારા રાજ્ય સરકાર ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના સશક્તિકરણ સાથે ‘મિનિમમ ગવર્મેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ’ના લક્ષ્ય તરફ આગળ વધી રહી છે.