સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવનારા હિંદૂ અને મુસ્લિમ ધર્મના વિવિધ તહેવારોને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. રમઝાન, ગુડી પાડવા, ઉગાદી અને ચેટી ચાંદ જેવા પવિત્ર તહેવારો શાંતિપૂર્ણ અને ભાઈચારા સાથે ઉજવાય તે હેતુથી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તહેવારો દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા આગોતરા તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે.
બેઠકમાં સેક્ટર-1ના એડિશનલ કમિશનર, ડીસીપી ઝોન-2 તેમજ સ્થાનિક એસીપી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ તહેવારો દરમિયાન શાંતિ જળવાઈ રહે તે માટે નાગરિકોને સહકાર આપવા અપીલ કરી હતી અને કોઈપણ પ્રકારની અફવા કે ગેરસમજ ફેલાવાથી દૂર રહેવા સૂચન કર્યું હતું.
એડિશનલ કમિશનરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે હિંદૂ અને મુસ્લિમ સમાજ વચ્ચે પરસ્પર સૌહાર્દ, સહિષ્ણુતા અને ભાઈચારો જાળવવો આજના સમયમાં અત્યંત જરૂરી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પોલીસ તંત્ર દરેક પરિસ્થિતિમાં નાગરિકોની સાથે મજબૂત રીતે ઉભું રહેશે. સાથે જ કોઈપણ પ્રકારની સમસ્યા સર્જાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી.
વધુમાં એડિશનલ કમિશનર એ કહ્યું હતું કે લીબાયત વિસ્તારમાં તેઓની આ પ્રથમ મુલાકાત છે અને અહીંના નાગરિકો તરફથી મળેલા સહકાર અને સકારાત્મક પ્રતિસાદ બદલ તેઓ આભારી છે. ટૂંકા સમયના સૂચન છતાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા તે પ્રશંસનીય છે. લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર કામળીયાએ પણ સ્થાનિક નાગરિકોનો સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. બેઠકમાં મુસ્લિમ સમાજના ધર્મગુરૂ સય્યદ બાપુ સહિત અનેક આગેવાનો જેમ કે રાપોલું બુચીરામુલું, બબ્બુ શેખ, રતનલાલ જૈન, રવિન્દ્ર પાટીલ, વકીલ સાગર વેલ્ધી, નાસિર સિમેન્ટ વાલા, રાઈસ શેખ, અફઝલ પટેલ, સંતોષ શર્મા અને કેસર અલી હાજર રહ્યા હતા. આ બેઠક દ્વારા તહેવારોને શાંતિ, એકતા અને સૌહાર્દના માહોલમાં ઉજવવાનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો.