દુર્ઘટના બાદ પાલિકાની દોડધામ, જોખમી ગટર ઢાંકવાની કામગીરી હાથ ધરાઈ
સ્થાનિકોમાં રાહત, પરંતુ મોડું પગલું લેવાયું હોવાનો આક્ષેપ
કાલોલ, તા. 17
કાલોલના ગધેડી ફળિયા વિસ્તારમાં આવેલી જોખમી ખુલ્લી ગટરમાં એક વ્યક્તિ ખાબકવાની ઘટનાએ પાલિકા તંત્રને હરકતમાં મૂકી દીધું છે. લાંબા સમયથી કરવામાં આવતી રજૂઆતો છતાં કોઈ પગલા ન લેવાતા આખરે દુર્ઘટના બન્યા બાદ તંત્રે તાત્કાલિક કામગીરી શરૂ કરી છે.
આ ગટર ઘણા સમયથી રાહદારીઓ અને સ્થાનિક રહીશો માટે જોખમરૂપ બની હતી. તાજેતરમાં બનેલી ઘટનામાં એક વ્યક્તિ ગટરમાં પડી જતાં વિસ્તારમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ઘટનાના પડઘા પડતા જ પાલિકા તંત્ર સ્થળ પર દોડી આવ્યું અને ગટરને ઢાંકવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
પાલિકા દ્વારા આ નાળાના કાયમી ઉકેલ માટે આયોજન કરાયું છે. પ્રથમ તબક્કામાં વ્યવસ્થિત ડ્રેનેજ નાખવામાં આવશે. ત્યારબાદ ગટરની ઉપર મજબૂત સિમેન્ટ સ્લેબ નાખી તેને સંપૂર્ણપણે ઢાંકવામાં આવશે અને તેના ઉપર પેવર બ્લોક બેસાડવામાં આવશે, જેથી રસ્તા તરીકે પણ તેનો ઉપયોગ થઈ શકે.
કાર્યની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્પોરેટર ગોપાલભાઈ પંચાલ, યુવરાજસિંહ રાઠોડ તથા હર્ષદપુરી ગોસાઈએ સ્થળ પર હાજર રહી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે અધિકારીઓને કામગીરી ઝડપથી અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવાની સૂચના આપી હતી.
કાર્ય શરૂ થતા સ્થાનિક રહીશોમાં રાહતનો માહોલ છે, જોકે લોકોમાં આક્ષેપ છે કે જો તંત્રે સમયસર કાર્યવાહી કરી હોત તો આ દુર્ઘટના ટાળી શકાય તેમ હતી.
રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા