Gujarat

પાટણમાં ભાજપું બુથ કાર્યકર્તા સંમેલન , ભાજપ વિકાસ અને સેવાભાવના માર્ગે કાર્ય કરે છે – જગદીશ વિશ્વકર્મા

કોંગ્રેસ આજે આંતરિક વિખવાદો અને સંકટોથી ઘેરાયેલી છે

ગાંધીનગર,તા.16
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પાટણ ખાતે આયોજિત બુથ કાર્યકર્તા સંમેલનમાં કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે કોંગ્રેસના સમયમાં વિકાસકાર્યો અટકાવવા, લટકાવવા અને પ્રજાને ભ્રમિત કરવાની રાજનીતિ ચાલતી હતી, જ્યારે ભાજપ વિકાસ અને સેવાભાવના માર્ગે કાર્ય કરે છે. તેમણે કહ્યું હતું કે આજે કોંગ્રેસ પાસે નેતા, નીતિ અને નિયત ત્રણેયનો અભાવ છે, જ્યારે ભાજપ પાસે વિઝનરી અને વિકાસશીલ નેતૃત્વ છે.

વિશ્વકર્માએ જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરદાર સરોવર ડેમ પૂર્ણ થતાં ગુજરાતમાં સિંચાઈ અને પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો છે અને આજે સરદાર સરોવરથી પાટણ સુધી પાણી પહોંચાડવાનું ઐતિહાસિક કાર્ય ભાજપ સરકારે કર્યું છે. તેમણે કહયું હતું કે શિક્ષણ, રોજગાર, કૃષિ, ઉદ્યોગ, મહિલા સશક્તિકરણ અને સિંચાઈ સહિત તમામ ક્ષેત્રોમાં વિકાસની નવી દિશા ભાજપ સરકારે આપી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ આજે આંતરિક વિખવાદો અને સંકટોથી ઘેરાયેલી છે અને માત્ર બચવા માટે સંઘર્ષ કરી રહી છે. કોંગ્રેસ માત્ર દેખાવો, ખોટો વિરોધ અને જુઠ્ઠા આક્ષેપોમાં જ આગળ છે. આ અગાઉ વિશ્વકર્માએ પાટણ વિધાનસભાના બુથ નંબર ૨૪૦ના પ્રમુખ શૈલેષભાઈ મગનભાઈ પટેલના નિવાસસ્થાને જઈ ભોજન ગ્રહણ કર્યું હતું તેમજ બાળકોને નોટબુકનું વિતરણ કર્યું હતું. તેમણે કાળઝાળ ગરમી વચ્ચે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકરોને જોઈ ગર્વ વ્યક્ત કર્યો અને ભાજપનું સૌથી મોટું બળ તેનું મજબૂત સંગઠન હોવાનું જણાવ્યું હતું.

Most Popular

To Top