


( પ્રતિનિધિ )વડોદરા,તા.17
વડોદરા શહેરમાં અકસ્માતની વણઝાર યથાવત જોવા મળી રહી છે ત્યારે શહેરના ગેંડા સર્કલ પાસે ટ્રાફિક સિગ્નલ ખોલતા જ ઉતાવળની લ્હાયમાં ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે બંને ચાલકો વચ્ચે આક્ષેપ પર પ્રતિ આક્ષેપ કરવામાં આવ્યા હતા.
વડોદરા શહેરમાં રફતારનો કહેર જોવા મળી રહ્યો છે. દરરોજ નાના મોટા અકસ્માતોની ભરમાર થઈ રહી છે. ઘણા કિસ્સામાં તો કેટલાક ચાલકો ટ્રાફિકના નિયમોને નેવે મૂકી પોતાનો અને બીજાના જીવ પણ જોખમમાં મૂકી દેતા હોય છે. ત્યારે, આવી જ એક ઘટના આજે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગેડા સર્કલ પાસે બની હતી. ટ્રાફિક સિગ્નલ ખુલતા જ ડમ્પર અને કાર વચ્ચે ટક્કર થઈ હતી. જોરદાર બ્રેક મારી દેતા મોટી દુર્ઘટના થતા ટળી હતી. જ્યારે કારને નુકસાન થયું હતું. સદનસીબે કારમાં સવાર દંપતિનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના બાદ ટ્રાફિકજામ થયો હતો અને બંને ચાલકો વચ્ચે શાબ્દિક ટપાટપી પણ થઈ હતી અને આક્ષેપ પર પ્રતિઆક્ષેપ કરવામાં આવ્યા હતા. અત્રે નોંધનીય બાબત એ છે કે, શહેરના ઘણા ટ્રાફિક સિગ્નલ ઉપર સિગ્નલ ખુલતા જ કેટલાક વાહન ચાલકો ઉતાવળની લ્હાયમાં તેજ ગતિએ વાહન હંકારી પસાર થતા હોય છે, તો બીજી તરફ સિગ્નલ બંધ હોવા છતાં પણ કેટલાક વાહન ચાલકો પુરપાટ વાહનો હંકારી ટ્રાફિક નિયમનના ભંગ સાથે લોકોના જીવ જોખમમાં મુકતા હોય છે. ત્યારે, આ પ્રકારની જ અકસ્માતની ઘટના ગેંડા સર્કલ પાસે બની હતી. જેમાં ડમ્પર અને કાર ચાલકે સિગ્નલ ખુલતા જ રસ્તો ઉતાવળે ક્રોસ કરવા જતા બંને વાહનો વચ્ચે ટક્કર થઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી ન હતી.