ક્રિકેટર્સ ભડક્યા! બોલ્યા આને કહેવાય હત્યા
કાબુલમાં મંગળવારે થયેલા ભયાનક એરસ્ટ્રાઈક બાદ સમગ્ર વિશ્વમાં ચોંકાવનારી પ્રતિક્રિયા જોવા મળી રહી છે. સાથે જ અફઘાનિસ્તાનના દાવા મુજબ આ હુમલામાં આશરે 400 લોકોના મોત થયા છે અને 250થી વધુ લોકો ઘાયલ થયા છે. ખાસ વાત એ છે કે આ હુમલો એક ડ્રગ રિહેબિલિટેશન હોસ્પિટલ પર થયો હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે, જ્યાં અંદાજે 2000 દર્દીઓ હાજર હતા.
અફઘાન સરકારના ઉપપ્રવક્તા Hamdullah Fitrat અનુસાર રાત્રે લગભગ 9 વાગ્યે આ હુમલો થયો, જેમાં હોસ્પિટલનો મોટો ભાગ તબાહ થઈ ગયો. આ ઘટનાએ માનવતા સામેના ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. ક્રિકેટર્સનો ફાટકો: “આ યુદ્ધ અપરાધ છે!”
અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટર Rashid Khanએ આ ઘટનાને લઈને કડક પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે નિર્દોષ નાગરિકો, હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓને નિશાન બનાવવું “યુદ્ધ અપરાધ” સમાન છે. તેમણે યુએન સહિત માનવ અધિકાર સંસ્થાઓને આ ઘટનાની તાત્કાલિક તપાસ કરવાની અપીલ કરી.
ભૂતપૂર્વ કેપ્ટન Mohammad Nabiએ પણ આ હુમલાને લઈને ભાવુક નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે “રમઝાનની પવિત્ર રાતે આશા બુઝાઈ ગઈ,” અને આ હુમલામાં સારવાર લઈ રહેલા યુવાનોના જીવ ગયા.
સરકારનો આરોપ: “હોસ્પિટલ ટાર્ગેટ કરાઈ” : અફઘાન સરકારના પ્રવક્તા Zabihullah Mujahidએ પાકિસ્તાન પર સીધો આરોપ લગાવ્યો કે તેમણે હવાઈ સીમા ભંગ કરીને હોસ્પિટલ સહિત નાગરિક વિસ્તારોને નિશાન બનાવ્યા. તેમણે ઘટનાને “માનવતા વિરુદ્ધનો ગુનો” ગણાવ્યો.
પાકિસ્તાનનો ઇનકાર: “માત્ર સૈન્ય ટાર્ગેટ્સ હિટ” : બીજી તરફ પાકિસ્તાનના માહિતી પ્રધાન Attaullah Tararએ આ આરોપોને નકારી કાઢ્યા છે. તેમના મુજબ પાકિસ્તાની સેનાએ માત્ર ચોક્કસ “ટેકનિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર” અને હથિયાર સંગ્રહ સ્થાનોને જ નિશાન બનાવ્યા હતા, જે આતંકવાદી પ્રવૃત્તિઓને ટેકો આપતા હતા.
આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર દક્ષિણ એશિયામાં તણાવ વધાર્યો છે. સત્ય શું છે તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ નિર્દોષ લોકોના મોતે દુનિયાને ફરી એકવાર યુદ્ધની ભયાનકતા યાદ અપાવી છે.