ઈરાનના સતત હુમલાઓ વચ્ચે મોટો સવાલ!
મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધે હવે એક નવી ચિંતા ઊભી કરી છે, શું ઈઝરાયેલ પાસે મિસાઇલ ઇન્ટરસેપ્ટર્સ ખૂટી રહ્યા છે? છેલ્લા કેટલાક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ઈરાનના સતત મિસાઇલ અને ડ્રોન હુમલાઓને કારણે ઈઝરાયેલના ડિફેન્સ સ્ટોક પર ભારે દબાણ છે. જોકે Israel Defense Forces એ આવા તમામ દાવાઓને નકારી કાઢ્યા છે.
ઈઝરાયેલ પાસે વિશ્વની સૌથી મજબૂત અને આધુનિક એર ડિફેન્સ સિસ્ટમ છે. તેમાં Iron Dome, David’s Sling અને Arrow missile system જેવી સિસ્ટમો સામેલ છે. આ તમામ સિસ્ટમો અલગ-અલગ પ્રકારના ખતરા સામે કામ કરે છે, ટૂંકા અંતરના રોકેટથી લઈને લાંબા અંતરના બેલિસ્ટિક મિસાઇલ સુધી, પરંતુ સમસ્યા અહીં એ છે કે દરેક મિસાઇલને નષ્ટ કરવા માટે ઘણીવાર એકથી વધુ ઇન્ટરસેપ્ટર્સની જરૂર પડે છે. બીજી તરફ ઈરાન સતત મોટી સંખ્યામાં મિસાઇલ અને સસ્તા ડ્રોન લોન્ચ કરી રહ્યું છે. આ “સેચ્યુરેશન સ્ટ્રેટેજી” દ્વારા તે ઈઝરાયેલની ડિફેન્સ સિસ્ટમને ઓવરલોડ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
અહેવાલો અનુસાર, અત્યાર સુધીમાં ઈરાન 500થી વધુ મિસાઇલ અને હજારો ડ્રોનનો ઉપયોગ કરી ચૂક્યું છે. ડ્રોન સસ્તા અને સરળતાથી ફરીથી બનાવવામાં આવતા હોવાથી તેઓ ઈઝરાયેલ માટે મોટો પડકાર બની રહ્યા છે. બીજી બાજુ, ઇન્ટરસેપ્ટર મિસાઇલ ખૂબ જ મોંઘી હોય છે અને તેને બનાવવા માટે સમય લાગે છે.
અમેરિકા પણ હવે આ યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. THAAD જેવી સિસ્ટમોને મધ્યપૂર્વમાં મોકલવામાં આવી રહી છે, જે બતાવે છે કે પરિસ્થિતિ કેટલી ગંભીર છે. United States Department of Defense પણ હવે વધતી જતી જવાબદારી વહન કરી રહ્યું છે.
આ પરિસ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે આ યુદ્ધ કેટલો લાંબો ચાલશે? નિષ્ણાતો માને છે કે બંને પક્ષો પાસે મર્યાદિત સંસાધનો છે, પરંતુ લાંબા ગાળે આ યુદ્ધ “ખર્ચ અને સહનશક્તિ” પર આધારિત બનશે, હાલ માટે સ્પષ્ટ છે કે ઈઝરાયેલ પાસે ઇન્ટરસેપ્ટર્સ ખૂટી ગયા નથી, પરંતુ દબાણ ચોક્કસ વધી રહ્યું છે, અને આવનારા દિવસોમાં પરિસ્થિતિ ગંભીર બની શકે છે.