ગાંધીનગરમાં આવેલી મહત્વપૂર્ણ સરકારી કચેરીઓ ધરાવતી કર્મયોગી ભવનમાં બોમ્બની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. સેક્ટર-10માં આવેલા આ ભવનના બ્લોક નંબર 2માં કાર્યરત તોલ-માપ વિભાગની કચેરીના સત્તાવાર ઈમેલ પર અજાણ્યા વ્યક્તિ દ્વારા ધમકીભર્યો મેસેજ મોકલાયો હતો, જેમાં બિલ્ડિંગને વિસ્ફોટથી ઉડાવી દેવાની ચેતવણી આપવામાં આવી હતી. સવારના સમયે મળેલા આ ઈમેલથી કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર બિલ્ડિંગ અને અન્ય કચેરીઓમાંથી કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા અને કર્મયોગી ભવનનો કેમ્પસ ખાલી કરાવવામાં આવ્યો હતો.
માહિતી મળતાં જ ગાંધીનગર પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. બિલ્ડિંગમાં કોઈ શંકાસ્પદ વસ્તુ છે કે નહીં તેની ખાતરી કરવા માટે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) દ્વારા ખૂણે-ખૂણે તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ શંકાસ્પદ સામગ્રી શોધવા માટે ડોગ સ્ક્વોડની મદદ પણ લેવામાં આવી રહી છે. પોલીસે આ ધમકીભર્યા ઈમેલની ટેકનિકલ તપાસ શરૂ કરી છે અને ઈમેલના આઈપી એડ્રેસને ટ્રેસ કરીને મોકલનાર સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે હાલ તમામ દિશામાં તપાસ ચાલી રહી છે અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની મહત્વની સંસ્થાઓને ફેક ઈમેલ દ્વારા બોમ્બની ધમકીઓ આપવામાં આવી રહી છે. અગાઉ પણ રાજ્યની અનેક પોસ્ટ ઓફિસો, પાસપોર્ટ કચેરીઓ તેમજ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓને આવી ધમકીઓ મળી હતી. હાલની ઘટના કોઈ ગંભીર કાવતરાનો ભાગ છે કે માત્ર અફવા ફેલાવવાનો પ્રયાસ છે તે તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.