ડાયમંડ સિટી સુરતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ વિભાગે નશીલા પદાર્થોની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરીને કરોડો રૂપિયાનો ગાંજો ઝડપી લીધો છે. એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા એક શખ્સની શંકાસ્પદ હરકતોને આધારે કસ્ટમ અધિકારીઓએ તેની તપાસ કરી હતી, જેમાં સેફ્ટી જેકેટમાં છુપાવીને લાવવામાં આવતો ગાંજો બહાર આવ્યો હતો. કસ્ટમ વિભાગ નશીલા દ્રવ્યોની હેરાફેરી રોકવા માટે એરપોર્ટ પર સતત સતર્ક નજર રાખી રહ્યું છે. તપાસ દરમિયાન મુસાફરની ચાલચાલન અને વર્તન શંકાસ્પદ લાગતાં અધિકારીઓએ તેની વિગતવાર ચકાસણી હાથ ધરી હતી. તપાસમાં ખુલ્યું કે તેણે સેફ્ટી જેકેટની અંદર ખાસ રીતે નશીલો પદાર્થ છુપાવ્યો હતો.
આ કાર્યવાહી દરમિયાન મોટી માત્રામાં ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે, જેની બજાર કિંમત કરોડો રૂપિયામાં હોવાનું માનવામાં આવે છે. કસ્ટમ અધિકારીઓએ આરોપીને કસ્ટડીમાં લઈ આગળની પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં આ ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેને ક્યાં પહોંચાડવાનો હતો તેની માહિતી મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.સુરત એરપોર્ટ પર છેલ્લા થોડા સમયથી નશીલા પદાર્થોની હેરાફેરી સામે કસ્ટમ વિભાગે ચેકિંગ વધુ કડક બનાવ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવામાં આવશે અને એરપોર્ટ પર સુરક્ષા અને તપાસ વધુ મજબૂત કરવામાં આવશે.