ભજીયા તળવા મૂકેલું તેલ વધુ પડતું ગરમ થતા આગ ફાટી નીકળી; કાચું મકાન આગની ઝપેટમાં આવતા અફરાતફરી



વડોદરા: નજીક આવેલા કોયલી ચરા વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક ઘટના બની હતી, જેમાં એક કાચા મકાનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ભજનના કાર્યક્રમ દરમિયાન રસોઈ બનાવતી વખતે અચાનક લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં ગેસ સિલિન્ડર ફાટતા આશરે પાંચ જેટલા લોકો ગંભીર રીતે દાઝી ગયા હોવાના અહેવાલ સાંપડ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કોયલી ચરા વિસ્તારમાં આવેલા એક કાચા મકાનમાં પરિવારના એક સભ્યના મૃત્યુ બાદ તેમની વરસી નિમિત્તે ભજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસંગ હોવાથી મહેમાનો માટે રસોઈ બનાવવાની કામગીરી ચાલતી હતી. આ દરમિયાન ગેસના ચૂલા પર ભજીયા તળવા માટે તેલ ગરમ કરવા મૂકવામાં આવ્યું હતું. લાંબો સમય તેલ ગરમ થવાને કારણે તે અતિશય ઉકળી ગયું હતું. જેવું તેલમાં ભજીયાનું ખીરૂ નાખવામાં આવ્યું, કે તરત જ આગની જ્વાળાઓ ભભૂકી ઉઠી હતી.
જોતજોતામાં આગે આખા મકાનને લપેટમાં લઈ લીધું હતું. આગ એટલી ઝડપથી ફેલાઈ કે ઘરમાં રહેલો ગેસ સિલિન્ડર પણ તેની ઝપેટમાં આવી ગયો અને જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટને કારણે ત્યાં હાજર પાંચ જેટલા લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો અને લોકો જીવ બચાવવા દોડતા થયા હતા.
આગની જાણ થતા જ કોયલી ગામના સરપંચ અને સામાજિક આગેવાનો સ્થળ પર દોડી આવ્યા હતા. જવાહરનગર પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ફાઈટરોની ટીમે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો, જેના કારણે વધુ જાનહાનિ અટકી હતી.
આ દુર્ઘટનામાં દાઝી ગયેલા તમામ પાંચ વ્યક્તિઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલમાં પોલીસ દ્વારા અકસ્માતે આગ લાગવાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રસંગના ઘરે બનેલી આ ઘટનાથી સમગ્ર કોયલી પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.