ગાંધીનગર, તા. ૧૬
રાજ્યમાં ઘરેલું અને વ્યાવસાયિક ગેસ પુરવઠાની વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. આજે ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પ્રિન્સિપાલ સચિવ મોના ખંધારે મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં એલપીજી (LPG) અને પીએનજી (PNG) ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને વિતરણ વ્યવસ્થાની કડક મોનીટરીંગ કરવામાં આવી રહી છે.

PNG ધરાવતા ગ્રાહકો માટે ફરજિયાત નિર્ણય
સરકારે મહત્વનો નિર્ણય કરતા જણાવ્યું છે કે જે ગ્રાહકો પાસે પાઈપલાઈન ગેસ (PNG) કનેક્શન છે, તેઓએ બુધવાર સુધીમાં પોતાનું એલપિજી કનેક્શન સરેન્ડર કરવું ફરજિયાત રહેશે.
હવેથી PNG ધરાવતા ગ્રાહકો પાસે LPG સિલિન્ડર રાખવાની મંજૂરી રહેશે નહીં. સરકારનું માનવું છે કે આ નિર્ણયથી ગેસનો બિનજરૂરી સંગ્રહ અટકશે અને જરૂરીયાત ધરાવતા ગ્રાહકો સુધી ગેસનો પુરવઠો સરળતાથી પહોંચી શકશે.
વિવિધ સેક્ટર માટે નવી ફાળવણી મર્યાદા
જ્યાં PNG નેટવર્ક ઉપલબ્ધ નથી ત્યાં કોમર્શિયલ LPG સિલિન્ડર માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
૧૦૦ ટકા ફાળવણી: ખાનગી અને સરકારી હોસ્પિટલો તથા શૈક્ષણિક સંસ્થાઓ
૭૦ ટકા ફાળવણી (આવશ્યક ક્ષેત્ર): ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ, સીડ પ્રોસેસિંગ અને એરલાઇન તથા રેલવે કેન્ટીન
૧૦ ટકા ફાળવણી (અર્ધ આવશ્યક): હોટલ-રેસ્ટોરન્ટ, ધાબા, કોર્પોરેટ કેન્ટીન અને ફૂડ પ્રોસેસિંગ એકમો
ધાર્મિક સંસ્થાઓમાં છેલ્લા એક વર્ષથી કાર્યરત અને ભોજન સેવા આપતી સંસ્થાઓને છેલ્લા પાંચ મહિનાના વપરાશના આધારે ૧૦ ટકા જથ્થો ફાળવવામાં આવશે.
કેરોસીન વિતરણ માટે ખાસ વ્યવસ્થા
ગ્રામ્ય વિસ્તારોમાં ઈંધણની જરૂરિયાત પૂરી કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને ૧૪૫૨ કિલોલિટર કેરોસીન ફાળવવામાં આવ્યું છે.
દરેક જિલ્લાને ૩૬ કિલોલિટર કેરોસીન આપવામાં આવશે
પરિવાર દીઠ ૫ લીટર
સંસ્થા દીઠ ૨૫ લીટર કેરોસીન ફાળવી શકાશે
કડક મોનીટરીંગ અને તપાસ
ગેસ વિતરણમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે દરેક ગેસ એજન્સી પર એક મહેસૂલ અધિકારી અને એક પોલીસ કર્મચારીની ટીમ તૈનાત કરવામાં આવી છે. તાજેતરમાં જિલ્લા કક્ષાએ ૯૧૨ અને રાજ્ય કક્ષાએ ૧૭ તપાસો કરીને અનિયમિતતાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ફરિયાદ માટે હેલ્પલાઇન
એલપિજી પુરવઠા અંગે કોઈપણ સમસ્યા કે ફરિયાદ હોય તો નાગરિકો રાજ્ય હેલ્પલાઇન નંબર ૧૮૦૦-૨૩૩-૦૨૨૨ પર સંપર્ક કરી શકે છે.
પ્રીન્સીપલ સેક્રેટરી મોના ખંધારે કહયુ હતું કે રાજ્યમાં એલપીજી ગેસનો પૂરતો જથ્થો છે ,વધારાનો બફર સ્ટોક પણ છે , કોઈ ડર કે ગભરાવવાની જરૂરત નથી. સરકારને વિશ્વાસ છે કે આ પગલાંઓથી ગેસ પુરવઠાની વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનશે અને જરૂરિયાતમંદ ગ્રાહકો સુધી ગેસ સમયસર ઉપલબ્ધ થશે.