World

યુએઈથી 80 હજાર ટન ક્રૂડ ઓઇલ લઈને ભારતીય ટેન્કર ‘જગ લાડકી’ સુરક્ષિત રીતે રવાના

પશ્ચિમ એશિયામાં વધી રહેલા સંઘર્ષ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. યુએઈથી ક્રૂડ ઓઇલ લઈ જતું ભારતીય ટેન્કર ‘જગ લાડકી’ સુરક્ષિત રીતે ફુજૈરાહ બંદરથી રવાના થયું છે. આ જહાજમાં આશરે 80,000 ટન કાચું તેલ ભરેલું છે. ભારતીય સમય મુજબ સવારે 10:30 વાગ્યે ટેન્કરે પોતાની મુસાફરી શરૂ કરી હતી. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે દરિયાઈ માર્ગો પર જોખમ વધ્યું છે, ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટનો વિસ્તાર ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ માર્ગોમાંથી એક એવા આ માર્ગ પરથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલનું પરિવહન થાય છે.

આ પરિસ્થિતિ વચ્ચે ‘જગ લાડકી’નું સલામત પ્રસ્થાન મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. તાજેતરમાં સંઘર્ષગ્રસ્ત વિસ્તારમાંથી કોઈ નુકસાન વિના બહાર નીકળનાર આ ચોથું ભારતીય ધ્વજવાળું જહાજ છે. સરકારે માહિતી આપી છે કે જહાજ પરના તમામ ક્રૂ સભ્યો સુરક્ષિત છે અને દરિયાઈ એજન્સીઓ સતત તેની મુસાફરી પર નજર રાખી રહી છે. હાલમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે અનેક જહાજો આ વિસ્તારમાં ફસાયેલા છે. હોર્મુઝ સ્ટ્રેટના પશ્ચિમ ભાગમાં 20થી વધુ ભારતીય ધ્વજવાળા જહાજો હાજર છે, જેમાં ભારતીય ખલાસીઓ પણ સેવા આપી રહ્યા છે. આ પહેલા Shivalik LPG carrier અને Nanda Devi LPG carrier પણ Strait of Hormuz પાર કરી ચૂક્યા છે.

આ જહાજોની સલામતી સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર સતત પ્રયાસ કરી રહી છે. સુરક્ષિત માર્ગ માટે ભારતીય અને ઈરાની અધિકારીઓ વચ્ચે ઉચ્ચ સ્તરની ચર્ચાઓ પણ થઈ છે. ભારત માટે તેલ અને ગેસ જેવી આવશ્યક ઊર્જા સામગ્રી લાવતા જહાજોને ખાસ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. સાથે સાથે, જો જરૂરી બને તો દેશના ઇંધણ પુરવઠાને અસર ન થાય તે માટે વૈકલ્પિક તેલ પુરવઠા માર્ગો પણ ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે.

Most Popular

To Top