ગોરવા પોલીસની સતર્કતા, સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદથી દિવાળીપુરાના શખ્સને દબોચી લેવાયો
(પ્રતિનિધિ), વડોદરા. તા.15
શહેરમાં મહિલાઓની સુરક્ષા સામે સવાલ ઉભો કરનાર છેડતીખોરો સામે વડોદરા પોલીસે લાલ આંખ કરી છે. ઇલોરાપાર્ક વિસ્તારમાં રાત્રિના સમયે એકલતાનો લાભ લઈ મહિલાની છેડતી કરી ફરાર થઈ જનાર બાઈક સવાર શખ્સને ગોરવા પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે. ગત તારીખ 14 માર્ચના રોજ રાત્રે આશરે 11:10 વાગ્યાની આસપાસ ઇલોરાપાર્ક એમ.આઇ.જી. ફ્લેટ વાળી ગલીમાંથી એક મહિલા પસાર થઈ રહી હતી. આ સમયે એક અજાણ્યો બાઈક ચાલક ધસી આવ્યો હતો અને મહિલાની છેડતી કરી અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો. આ ઘટના અંગે ભોગ બનનાર મહિલાએ હિંમત દાખવી ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 75(2) મુજબ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગોરવા પી.આઈ. કે.એન. લાઠીયાએ અલગ-અલગ ટીમો બનાવી હતી. પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના સીસીટીવી (CCTV) કેમેરા તપાસ્યા. હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારોને સક્રિય કર્યા. બાઈક નંબર અને શારીરિક બાંધાના આધારે આરોપીનું પગેરું દબાવ્યું. પોલીસની ટેકનિકલ અને ફિલ્ડ સર્વેલન્સની મહેનત રંગ લાવી હતી. છેડતી કરનાર શખ્સ અમિત નટુભાઇ પઢિયાર (ઉ.વ. 38, રહે. શંકરપાર્ક સોસાયટી, દિવાળીપુરા) હોવાનું ખુલતા પોલીસે તેને દબોચી લીધો હતો. પકડાયેલ આરોપી ખાનગી નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. આ કામગીરીમાં ગોરવા પી.આઈ. કે.એન. લાઠીયા સાથે પીએસઆઈ એમ.આર. ગાંગાણી, એમ.કે. વાળા તથા એએસઆઈ મિનેષકુમાર અને હેડ કોન્સ્ટેબલ જયદિપભાઇ, ડાહ્યાભાઇ સહિતના સ્ટાફે રાત-દિવસ જોયા વગર ગુનેગારને પકડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વડોદરા પોલીસની આ ત્વરિત કામગીરીથી મહિલાઓમાં સુરક્ષાની ભાવના પ્રબળ બની છે અને આવા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.