નગીનભાઈ વિરાભાઈ ભુનાતરનો મૃતદેહ થેરકા ગામ નજીક પંચકૃષ્ણ મંદિર પાછળ માછણ નદીના કિનારે મળ્યો
પ્રતિનિધિ, ઝાલોદ
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં સંદિગ્ધ પરિસ્થિતિમાં રામદેવ મંદિરના પૂજારીનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઝાલોદના ડુંગરી ફળિયે આવેલા રામદેવ મંદિરના પૂજારી નગીનભાઈ વિરાભાઈ ભુનાતર (ઉ.વ. આશરે 55)નો મૃતદેહ થેરકા ગામ નજીક પંચકૃષ્ણ મંદિર પાછળ માછણ નદીના કિનારે મળ્યો હતો.
સ્થાનિક લોકો ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેમને નદી કિનારે મૃતદેહ દેખાતા પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. પરિવારજનોએ તરત જ ઝાલોદ પોલીસને માહિતી આપતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીવાયએસપી ડી.આર. પટેલ, પી.આઈ રવિ ગામીત સહિત પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. દાહોદ જિલ્લા SOG અને LCBની ટીમ પણ તપાસમાં જોડાઈ છે. પોલીસે FSL અને ડોગ સ્કવોડની મદદથી સ્થળ પરથી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મૃતદેહ પર કોઈ સોના-ચાંદીના આભૂષણ જોવા મળ્યા નથી તેમજ શરીર પર ઈજાના નિશાન મળતાં પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે.
ઝાલોદ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.
રિપોર્ટર: દક્ષેશ ચૌહાણ