World

દુબઈના ડાઉનટાઉનમાં વિસ્ફોટના અવાજો, અલ બદા વિસ્તારમાં ડ્રોન ઘટના પછી રહેણાંક વિસ્તારમાં ગભરાટ

મિડલ ઇસ્ટમાં વધતા તણાવ વચ્ચે ગુરુવારે દુબઈના ડાઉનટાઉન વિસ્તારમાં વિસ્ફોટના અવાજો સંભળાતા ચિંતા ફેલાઈ હતી. દુબઈ સરકારના મીડિયા કાર્યાલયે જણાવ્યું કે અલ બદા’આ વિસ્તારમાં નાના ડ્રોનથી હુમલા થાની ઘટના બની હતી, પરંતુ સદનસીબે તેમાં કોઈને ઈજા પહોંચી નથી. અલ બદા’આના રહેણાંક વિસ્તારમાં થોડા સમય માટે ધુમાડાના નાના વાદળો ઉઠતા જોવા મળ્યા હતા, જે થોડા સમય બાદ દેખાતા બંધ થઈ ગયા હતા. આ ઘટનાની અધિકારીઓએ તપાસ શરૂ કરી છે.

સતત 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા મિડલ ઇસ્ટના સંઘર્ષ બાદ ઈરાન દ્વારા ગલ્ફ વિસ્તારમાં હુમલાઓ ચાલુ જ છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં આ પ્રદેશમાં કુલ 24 લોકોના મોત થયા છે, જેમાં 7 અમેરિકન સૈનિકો અને 11 નાગરિકોનો સમાવેશ થાય છે. બ્રિટિશ સૈન્યના યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ સેન્ટરે જણાવ્યું કે વહેલી સવારે પર્શિયન ગલ્ફમાં દુબઈના દરિયાકાંઠા નજીક એક કન્ટેનર જહાજ પર પણ હુમલો થયો હતો. આ હુમલાથી જહાજમાં નાની આગ લાગી હતી, પરંતુ તમામ ક્રૂ સભ્યો સુરક્ષિત હોવાનું જણાવાયું છે. બીજી તરફ, બહેરીનના મુહરક ટાપુ પર પણ ઈરાની હુમલાથી મોટી આગ લાગી હતી. અહીં દેશનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તેમ જ જેટ ફ્યુઅલ ટેન્કો અને તેલ ઉદ્યોગને સેવા આપતી અન્ય સંગ્રહ સુવિધાઓ આવેલી છે. કુવૈતના સંરક્ષણ મંત્રાલયે પણ જણાવ્યું કે એક ઈરાની ડ્રોન રહેણાંક ઇમારતમાં અથડાતા બે લોકો ઘાયલ થયા હતા. યુએઈએ દુબઈને બચાવવા માટે બે વખત હવાઈ સંરક્ષણ સક્રિય કરવું પડ્યું હતું. દુબઈ ક્રીક હાર્બર વિસ્તારમાં એક ટાવરમાં આગ લાગી હતી, જેને અગ્નિશામક દળે કાબૂમાં લીધી.

આ ઉપરાંત, સાઉદી અરેબિયાએ દાવો કર્યો કે રિયાધના રાજદ્વારી વિસ્તારમાં નિશાન બનાવતો એક ડ્રોન તોડી પાડવામાં આવ્યો હતો. દેશના પૂર્વ વિસ્તારમાં પણ એક ડ્રોનને નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો, જે શાયબાહ તેલ ક્ષેત્રને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મિડલ ઇસ્ટમાં વધતા હુમલાઓને કારણે સમગ્ર ગલ્ફ વિસ્તારમાં સુરક્ષા એલર્ટ વધારવામાં આવ્યું છે અને સ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.

Most Popular

To Top