National

ટ્રેનમાં મુસાફરી કરવાના છો? તો આ ધ્યાનમાં રાખો: LPG અછત વચ્ચે રેલવેનો મોટો નિર્ણય

જો તમે આગામી દિવસોમાં ટ્રેનમાં મુસાફરી કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આ માહિતી તમારા માટે મહત્વપૂર્ણ બની શકે છે. ઈરાન–ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક સ્તરે LPG અને LNG ગેસની અછત સર્જાઈ છે, જેના પ્રભાવ હવે ભારતીય રેલવે પર પણ જોવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે ટ્રેનોમાં મળતું ગરમાગરમ ભોજન તાત્કાલિક રીતે બંધ કરવાની શક્યતા પર વિચાર ચાલી રહ્યો છે. રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ ગેસ સિલિન્ડરની અછતને કારણે કેટરિંગ સેવાઓ પર સીધી અસર પડી રહી છે. જેના કારણે ટ્રેનોમાં આપવામાં આવતું રાંધેલું ભોજન બંધ કરવાની ચર્ચા શરૂ થઈ છે. અહેવાલો મુજબ, જે મુસાફરોએ ટિકિટ સાથે ભોજન પ્રી-બુક કરાવ્યું છે, તેમને પૈસા પરત આપવાની પણ શક્યતા પર વિચારણા થઈ રહી છે. આ પરિસ્થિતિનો સામનો કરવા ભારતીય રેલવે અને IRCTC દ્વારા ફૂડ વેન્ડર્સને વિકલ્પિક વ્યવસ્થાઓ અપનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. રેલવે સ્ટેશનો પર આવેલા ફૂડ પ્લાઝા, રિફ્રેશમેન્ટ રૂમ અને ખાણી-પીણીના સ્ટોલને ગેસના બદલે માઇક્રોવેવ ઓવન અને ઇલેક્ટ્રિક ઇન્ડક્શન દ્વારા ભોજન તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે.

સામાન્ય રીતે ટ્રેનની પેન્ટ્રી કારમાં ભોજન માત્ર ગરમ કરવામાં આવે છે, જ્યારે મુખ્ય રસોઈ ‘બેઝ કિચન’માં તૈયાર થાય છે. પરંતુ ગેસની અછતને કારણે લાંબા અંતરની ટ્રેનો માટે ભોજન તૈયાર કરવું મુશ્કેલ બન્યું છે. મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે IRCTCએ સ્ટેશનો પર ‘રેડી-ટુ-ઈટ’ ભોજનના પેકેટ્સનો પૂરતો જથ્થો રાખવાનો આદેશ પણ આપ્યો છે. આ વચ્ચે સામાન્ય લોકો માટે રાહતના સમાચાર પણ છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ ખાતરી આપી છે કે ઘરવપરાશ માટેનો PNG અને વાહનો માટેનો CNG પુરવઠો યથાવત રહેશે. ઉદ્યોગોને પણ તેમની જરૂરિયાત મુજબ લગભગ 70થી 80 ટકા સુધી ગેસ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઘરેલુ ગ્રાહકોને ગેસ પુરવઠો અડચણ વિના મળતો રહે તે માટે સરકારે ‘આવશ્યક ચીજવસ્તુઓનો કાયદો’ લાગુ કર્યો છે. નવા નિયમ મુજબ ગેસ સપ્લાયમાં સૌપ્રથમ પ્રાથમિકતા ઘરેલુ વપરાશને આપવામાં આવશે, જ્યારે અન્ય ક્ષેત્રોને છેલ્લા છ મહિનાના સરેરાશ વપરાશના આધારે મર્યાદિત ફાળવણી કરવામાં આવશે.

Most Popular

To Top