અમદાવાદ : ગુજરાતમાં ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાવાની છે. સીમાંકનની પ્રક્રિયાને કારણે આ ચૂંટણીઓમાં વિલંબ થયો હતો, પરંતુ હવે રાજ્યભરમાં ચૂંટણી માટેની તૈયારીઓ પૂર્ણ તબક્કે પહોંચી ગઈ છે. ત્યારે કોંગ્રેસએ ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠન સ્તરે તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે કોંગ્રેસ પક્ષના સંભવિત ઉમેદવારોની પસંદગી માટે ૧૧ માર્ચથી ૨૦ માર્ચ સુધી સમગ્ર ગુજરાતમાં રૂબરૂ મુલાકાતનો કાર્યક્રમ યોજાશે. મહાનગરપાલિકામાં ઉમેદવારી કરવા માંગતા લોકો QR Code સ્કેન કરી અરજી કરી શકશે. કોંગ્રેસ પક્ષ આવનારી ચૂંટણીઓમાં યુવાનોને વધુ તક આપશે. લગભગ 50 ટકા બેઠકો પર 50 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોને ચૂંટણી લડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત મહિલાઓ, એસસી, એસટી, ઓબીસી અને સમાજના તમામ વર્ગોને યોગ્ય પ્રતિનિધિત્વ આપવા કોંગ્રેસ પ્રતિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું.
વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું હતુ કે કોંગ્રેસ દ્વારા યોજાયેલી ‘જન આક્રોશ યાત્રા’ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર અંગે વ્યાપક ફરિયાદો મળી છે અને લોકો પરિવર્તન ઇચ્છી રહ્યા છે. મતદાર યાદીના સુધારણા બાદ રાજ્યમાં લગભગ 73 લાખથી વધુ મતદારોના નામ ઓછા થયા છે. તેમના મતે અગાઉની યાદીઓમાં મોટા પ્રમાણમાં બોગસ અને ડુપ્લિકેટ મતદારો હોવાની સંભાવના હતી. આ ઘટાડાના કારણે આવનારી નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં આશ્ચર્યજનક પરિણામો જોવા મળી શકે છે.