India

‘સબકા સાથ સબકા વિકાસ’ થીમ સાથે PM મોદીની પોસ્ટ-બજેટ વેબિનાર શરૂ, કરશે વિવિધ સેક્ટર પર ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે 9 માર્ચે સવારે 10:15 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધન કરી રહ્યા છે. આ વેબિનારની થીમ ‘સબકા સાથ સબકા વિકાસ – લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવી’ રાખવામાં આવી છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય કેન્દ્રીય બજેટમાં કરવામાં આવેલી જાહેરાતોને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે સરકાર, ઉદ્યોગજગતના નિષ્ણાતો અને અન્ય હિતધારકો વચ્ચે ચર્ચા કરીને એક સ્પષ્ટ રણનીતિ તૈયાર કરવાનો છે.

વેબિનારમાં અનેક બ્રેકઆઉટ સેશન યોજાશે, જેમાં શિક્ષણ અને કૌશલ્ય વિકાસ, આરોગ્ય અને આયુષ, તેમ જ પર્યટન અને આતિથ્ય ક્ષેત્ર જેવા મહત્વપૂર્ણ સેક્ટરો પર વિગતવાર ચર્ચા થશે. સરકારનું લક્ષ્ય છે કે બજેટમાં કરવામાં આવેલી જોગવાઈઓનો લાભ સામાન્ય નાગરિક સુધી ઝડપથી પહોંચે અને વિવિધ ક્ષેત્રોમાં વિકાસને ગતિ મળે. શિક્ષણ ક્ષેત્રમાં શિક્ષણથી રોજગાર સુધીની સફરને સરળ બનાવવા માટે ‘એજ્યુકેશન-ટુ-એમ્પ્લોયમેન્ટ પાથવે’ પર ચર્ચા કરવામાં આવશે. વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તરત રોજગાર તકો મેળવી શકે તેવી વ્યવસ્થા તૈયાર કરવા માટે સ્કિલ ટ્રેનિંગ અને ઉદ્યોગોની જરૂરિયાતો વચ્ચેનો અંતર ઘટાડવા પર ભાર મૂકવામાં આવશે. એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક્સ એટલે કે AVGC સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ સ્થાપવાની યોજના પર પણ ચર્ચા થશે. આ પહેલનો ઉદ્દેશ્ય નવા ક્રિએટર્સને ટેકનિકલ સહાયતા, તાલીમ અને પ્લેટફોર્મ આપીને ભારતને આ વૈશ્વિક બજારમાં વધુ મજબૂત સ્થાન અપાવવાનો છે.

આરોગ્ય ક્ષેત્રમાં રિજનલ મેડિકલ હબ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેથી મોટા શહેરો ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ આધુનિક સારવાર સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે. સાથે જ સહયોગી આરોગ્ય વ્યાવસાયિકો અને કેરગિવર્સની ટ્રેનિંગ પર ભાર મૂકવામાં આવશે. આયુષ પદ્ધતિને પ્રોત્સાહન આપવા માટે નવી સંસ્થાઓની સ્થાપના અને વિસ્તરણ અંગે નિષ્ણાતોની સલાહ લેવામાં આવશે. પર્યટન ક્ષેત્રમાં સસ્ટેનેબલ ટુરિઝમ ટ્રેલ્સ વિકસાવવાની, ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં બુદ્ધિસ્ટ સર્કિટના વિકાસની, હેરિટેજ ટુરિઝમને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવાની અને હોસ્પિટાલિટી ક્ષેત્રમાં યુવાનોને વ્યાવસાયિક તાલીમ આપવાની યોજનાઓ પર ચર્ચા થશે. આ પગલાંઓ દ્વારા ભારતના પર્યટન ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ વેબિનાર સરકાર, ઉદ્યોગજગત અને નિષ્ણાતો વચ્ચે એક મહત્વપૂર્ણ સંવાદ મંચ તરીકે કાર્ય કરશે. તેનું મુખ્ય લક્ષ્ય બજેટની નીતિઓને વ્યવહારુ રીતે અમલમાં મૂકવા માટે સૂચનો મેળવવાનો છે, જેથી દેશના સર્વસમાવેશક વિકાસને વધુ ગતિ મળી શકે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. તેમાં આવકવેરા સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો, પરંતુ રિવાઇઝ્ડ રિટર્ન ફાઇલ કરવા માટે સમય મર્યાદા 31 ડિસેમ્બરથી વધારીને 31 માર્ચ કરવામાં આવી હતી. કેન્સરની 17 દવાઓ પરની આયાત ડ્યુટી દૂર કરવામાં આવી છે, જ્યારે હિમોફીલિયા, સિકલ સેલ અને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી જેવી કેટલીક દુર્લભ બીમારીઓની દવાઓને પણ ડ્યુટી ફ્રી કરવામાં આવી છે. બજેટમાં સંરક્ષણ ક્ષેત્ર માટે પણ મોટો વધારો જાહેર કરવામાં આવ્યો છે. સંરક્ષણ બજેટ 6.81 લાખ કરોડથી વધારીને 7.85 લાખ કરોડ કરવામાં આવ્યું છે, જે લગભગ 15.2 ટકાનો વધારો દર્શાવે છે. હથિયારોની ખરીદી અને સેનાના આધુનિકીકરણ માટે મૂડી ખર્ચ પણ 1.80 લાખ કરોડથી વધારીને 2.19 લાખ કરોડ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત સરકાર દ્વારા 7 હાઇસ્પીડ રેલ કોરિડોર, 3 આયુર્વેદિક AIIMS, ટિયર-2 અને ટિયર-3 શહેરોના વિકાસ માટે 12.2 લાખ કરોડનો ખર્ચ, 15 હજાર સેકન્ડરી સ્કૂલો અને 500 કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ તથા લગભગ 800 જિલ્લાઓમાં છોકરીઓ માટે હોસ્ટેલ બનાવવાની જાહેરાતો પણ કરવામાં આવી છે. આ વેબિનાર દ્વારા સરકાર બજેટના વિઝનને જમીન પર ઉતારવા અને વિવિધ ક્ષેત્રોમાં વિકાસની ગતિ વધારવા માટે વ્યવહારુ સૂચનો મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

Most Popular

To Top