સંખેડા ઝોનમાંથી રમેશભાઈ બારીયા, બોડેલી ઝોનમાંથી ક્રિપાલસિંહ મહારાઉલનો વિજય
હરીફ ઉમેદવારોના ફોર્મ રદ થતાં સહકારી ક્ષેત્રમાં ખુશીની લાગણી
( પ્રતિનિધિ ) સંખેડા
બરોડા ડેરીની ચૂંટણી પ્રક્રિયામાં સંખેડા–બોડેલી ઝોનમાંથી બે ડિરેક્ટરો બિનહરીફ વિજેતા બનતાં સહકારી ક્ષેત્રમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. હરીફ ઉમેદવારોના ઉમેદવારીપત્રો ટેકનિકલ કારણોસર રદ થતાં બંને ઉમેદવારોને વિજય મળ્યો છે.
સંખેડા ઝોનમાંથી રમેશભાઈ બારીયા બિનહરીફ વિજેતા જાહેર થયા છે. રમેશભાઈ બારીયા મેવાસ બારીયા સમાજના પ્રમુખ તરીકે પણ કાર્યરત છે અને તેઓ સતત બીજી વખત બરોડા ડેરીના ડિરેક્ટર તરીકે ચૂંટાયા છે.
તે જ રીતે બોડેલી ઝોન નં. ૧૦માંથી ક્રિપાલસિંહ મહારાઉલ બિનહરીફ વિજેતા બન્યા છે. ક્રિપાલસિંહ મહારાઉલ સતત બીજી વખત અને કુલ ચોથી વખત બરોડા ડેરીના ડિરેક્ટર તરીકે ચૂંટાયા છે.
વિજય જાહેર થતાં બોડેલી અને સંખેડા તાલુકાના પશુપાલકો, સહકારી આગેવાનો અને કાર્યકરોએ બરોડા ડેરી ખાતે પહોંચી બંને ડિરેક્ટરોને શુભેચ્છાઓ પાઠવી હતી. સમર્થકોએ ગુલદસ્તા અને ફૂલહાર પહેરાવી અભિનંદન વ્યક્ત કર્યા હતા.
બંને વિજેતા ડિરેક્ટરોે જણાવ્યું હતું કે, પશુપાલકોનું હિત જાળવવું અને સહકારી સંસ્થાનો સર્વાંગી વિકાસ કરવો અમારી પ્રાથમિક ફરજ રહેશે.
ઉલ્લેખનીય છે કે સંખેડા ઝોનમાંથી પૂર્વ ડિરેક્ટર રાજેશભાઈ પટેલ અને અજીત ઠાકોરના ઉમેદવારીપત્રો ટેકનિકલ કારણોસર રદ થતાં ચૂંટણીમાં એકતરફી પરિણામ આવ્યું હતું.
રિપોર્ટર: સુરેન્દ્રસિંહ ચાવડા