ભારત, પાકિસ્તાન સહિત અનેક દેશોએ વ્યક્ત કરી ચિંતા
મધ્યપૂર્વમાં ઈરાન અને ઇઝરાઇલ–અમેરિકા વચ્ચે વધતા તણાવ બાદ વિશ્વભરના દેશોએ પ્રતિક્રિયા આપવાની શરૂઆત કરી છે. ઈરાન પર થયેલા હુમલાઓ પછી ઈરાને પણ જવાબી કાર્યવાહી કરતા મધ્યપૂર્વના કેટલાક વિસ્તારોને નિશાન બનાવ્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. પરિસ્થિતિને લઈને અનેક દેશોએ શાંતિ અને સંયમ રાખવાની અપીલ કરી છે.
ભારતે હાલની સ્થિતિને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ભારતનું વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું કે ઈરાન અને ખાડી વિસ્તારમાં બનેલી ઘટનાઓ ચિંતાજનક છે. ભારતે તમામ પક્ષોને સંયમ રાખવા, તણાવ ન વધારવા અને સામાન્ય નાગરિકોની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપવાની અપીલ કરી છે. સાથે જ વિવાદોનું નિરાકરણ સંવાદ કૂટનીતિ દ્વારા લાવવા પર ભાર મૂક્યો છે. આ ઉપરાંત ખાડી દેશોમાં રહેલા ભારતીયોને સાવચેત રહેવા અને સ્થાનિક સુરક્ષા અંગે માર્ગદર્શિકાનું પાલન કરવા સલાહ આપવામાં આવી છે.
બીજી તરફ ચીનએ અમેરિકા અને ઇઝરાઇલના ઈરાન પર થયેલા સૈન્ય હુમલાઓને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ચીને કહ્યું કે ઈરાનની સંપ્રભુતા અને ક્ષેત્રિય અખંડિતતાનો સન્માન થવો જોઈએ અને તાત્કાલિક સૈન્ય કાર્યવાહી બંધ કરવી જોઈએ. ચીને સંવાદ અને ચર્ચા દ્વારા મધ્યપૂર્વમાં શાંતિ સ્થાપિત કરવાની અપીલ કરી છે.
આ જ મુદ્દે રશિયાએ પણ અમેરિકાની અને ઇઝરાઇલની કાર્યવાહી ની નિંદા કરી છે. રશિયાએ કહ્યું કે આ સ્થિતિ સમગ્ર વિસ્તારમાં માનવીય અને આર્થિક સંકટ ઊભું કરી શકે છે. સાથે જ રાજનૈતિક અને શાંતિપૂર્ણ ઉકેલ શોધવા માટે મદદ કરવાની પણ તૈયારી દર્શાવી છે.
પાકિસ્તાનએ ઈરાન અને અમેરિકા વચ્ચેની ન્યુક્લિયર ડીલ નિષ્ફળ જવાથી પરિસ્થિતિ વધુ તંગ બની રહી હોવાનું જણાવ્યું છે. પાકિસ્તાને પણ તણાવ ઓછો કરવા માટે કૂટનીતિક પ્રયાસો જરૂરી ગણાવ્યા છે.ઉલ્લેખનીય છે કે સાઉદી અરેબિયા અને કતરએ તેમની જમીન પર થયેલા હુમલાઓની કડક નિંદા કરી છે અને જરૂરી પડે તો જવાબી કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. હાલ સમગ્ર વિશ્વની નજર મધ્યપૂર્વમાં સર્જાયેલી આ ગંભીર પરિસ્થિતિ પર ટકેલી છે.