Gujarat

રાજ્યના ૧૫ લાખથી વધુ વિદ્યાર્થીઓની કસોટી શરુ

ગાંધીનગર : ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાનો આજે સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર પ્રારંભ થયો છે. રાજ્યભરના ૧૭૦૧ પરીક્ષા કેન્દ્રો પર અંદાજે ૧૫,૨૭,૭૨૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી પોતાના ભવિષ્યના નવા પડાવ તરફ આગળ વધી રહ્યા છે. આ અવસરે શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ ગાંધીનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી તેમની કારકિર્દીમાં ઉચ્ચ શિખરો સર કરી ઉજ્જવળ ભવિષ્ય ઘડવા હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

સ્વામિનારાયણ હાઈસ્કૂલ ખાતે પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓનું ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ મોઢું મીઠું કરાવી, ગુલાબનું ફૂલ અર્પણ કરી તેમજ પેન-પેડ આપી આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિક્ષણ મંત્રી વાજાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા પરીક્ષાર્થીઓને નિર્ભય અને મુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે સુચારુ આયોજન કરવામાં આવ્યું છે.

પરીક્ષાની પારદર્શિતા અને શાંતિ જળવાઈ રહે તે માટે તમામ કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. ઉપરાંત જિલ્લા સંકલન સમિતિના વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓને નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓને સંદેશ આપ્યો હતો કે પરીક્ષા જીવનનો અંત નથી, પરંતુ નવા અવસરની શરૂઆત છે. માતા-પિતાના સપના સાકાર કરવા અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા તેમણે પ્રેરણા આપી હતી. સમગ્ર રાજ્યની જનતા વતી તમામ વિદ્યાર્થીઓને સફળતા માટે શુભેચ્છાઓ પાઠવાઈ હતી.

Most Popular

To Top