ગાંધીનગર,તા.26
રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને વધુને વધુ ખેડૂતો આ દિશામાં આગળ વધે તે માટે પ્રોત્સાહક પગલાંરૂપે સીએમ ભૂપેન્દ્ર પટેલે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત ૩૩ જિલ્લાનાં ૩૫,૮૨૯ નવા જોડાયેલા ખેડૂતોને કુલ રૂપિયા ૬.૯૭ કરોડની સહાય ડી.બી.ટી. દ્વારા તેમના બેંક ખાતામાં જમા કરાવી હતી.ગાંધીનગર ખાતે યોજાયેલા સમારોહમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ સિંગલ ક્લિકથી સહાયનું વિતરણ કર્યું હતું.
નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ હેઠળ ખરીફ અને રવી ઋતુ માટે એકર દીઠ રૂપિયા ૨૦૦૦ની પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે. રાજ્યમાં ત્રણ ગ્રામ પંચાયતો દીઠ એક ક્લસ્ટર મુજબ હાલમાં ૧૦૧૫ ક્લસ્ટરમાં પ્રાકૃતિક ખેતી માટે તાલીમ, માર્ગદર્શન અને સહાય પૂરી પાડવામાં આવી રહી છે. વધુમાં, બાકી ગ્રામ પંચાયતોને આવરી લેવા માટે ૩૮૭૫ નોન-મિશન ક્લસ્ટર રચી કુલ ૪૮૯૦ ક્લસ્ટર દ્વારા પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાનો આયોજન છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વસ્થ અને તંદુરસ્ત જીવન માટે ‘બેક ટુ બેઝિક’નો મંત્ર આપીને પ્રાકૃતિક ખેતીને મિશન મોડમાં અપનાવવા આહવાન કર્યું છે. પ્રાકૃતિક ખેતી અપનાવનારા ખેડૂતો ભવિષ્યની પેઢીને સુરક્ષિત કરવાનો આત્મસંતોષ મેળવે છે તેવું મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યા છે.
તેમણે કહયું હતું કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું છે અને તેઓ ગામે ગામ જઈ ખેડૂતોને માર્ગદર્શન આપી રહ્યા છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે દેશી ગાય આધારિત અને સરળતાથી ઉપલબ્ધ સંસાધનોના ઉપયોગથી રસાયણમુક્ત ખેતી પ્રોત્સાહિત કરવા માટે આ મિશન શરૂ કરાયું છે. રાજ્યમાં ૭૧૦૦ મોડલ ફાર્મ ઉભા કરવામાં આવ્યા છે જેથી ખેડૂતોને પ્રત્યક્ષ અનુભવ મળી શકે. આ ઉપરાંત રાજ્યના ચાલુ વર્ષના બજેટમાં પ્રાકૃતિક ખેતીની વિવિધ પ્રવૃત્તિઓ માટે રૂા. ૩૯૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્ય સરકારના આ પ્રયાસોથી પ્રાકૃતિક ખેતીને વધુ વેગ મળશે અને ખેડૂત આવક તેમજ જન આરોગ્ય બંને ક્ષેત્રે સકારાત્મક પરિણામો જોવા મળશે.