SURAT

SMCના પુસ્તક મેળા અને ફ્લાવર શોમાં ગેરવ્યવસ્થા, ટોઈલેટમાં ભારે ગંદકી

સુરત: મનપા દ્વારા આયોજિત પુસ્તક મેળા અને ફ્લાવર શોમાં અવ્યવસ્થા નજરે પડી છે. અહીં રોજ હજારોની સંખ્યામાં મુલાકાતીઓ આવી રહ્યાં છે, તેઓ માટે પાણી અને ટોઈલેટની યોગ્ય સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. તેના લીધે મુલાકાતીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

ચાર વર્ષ બાદ સુરત મનપા દ્વારા આ વખતે યુનિવર્સિટીના એક્ઝિબિશન ગ્રાઉન્ડ પર ફ્લાવર શો અને પુસ્તક મેળાનું આયોજન કરાયું છે, પરંતુ તે પહેલાં દિવસથી જ વિવાદમાં છે. અહીં પ્લાસ્ટિકના ફૂલોથી સજાવટ કરવામાં આવી છે. પુસ્તકો મોંઘા વેચવામાં આવી રહ્યાં છે. ફૂડ કોર્ટમાં નાસ્તાના ભાવ ખૂબ વધારે છે તેવી ફરિયાદો ઉઠી છે, ત્યારે આજે એક નવો વિવાદ ઉભો થયો છે. આ પુસ્તક મેળા અને ફ્લાવર શોની હજારોની સંખ્યામાં શહેરીજનો મુલાકાત લે છે પરંતુ અહીં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે.

એક મોબાઈલ ટોઈલેટ મુકવામાં આવ્યું છે, પરંતુ યોગ્ય સફાઈના અભાવે તેનો ઉપયોગ મુલાકાતીઓ કરી શકતા નથી. અહીં ફરિયાદ સાંભળનારું પણ કોઈ નથી. મુલાકાતીઓ હેરાન પરેશાન થઈ રહ્યાં છે. એટલું જ નહીં અહીં પાણીની પણ યોગ્ય વ્યવસ્થા નથી. માત્ર બે મિલટન મુકવામાં આવ્યા છે. ભારે ગરમીમાં તરસ્યા થતા લોકોને પાણી પીવા મળતું નહીં હોવાની ફરિયાદ ઉઠી છે.

Most Popular

To Top