Gujarat

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ અને રજિસ્ટ્રાર ભાજપ – સંઘના ઘૂંટણીએ પડી ગયા

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને અપાયેલી નોટિસોના મુદ્દે વિવાદ વધુ તેજ બન્યો છે. ગુજરાત યુનિવર્સિટી સત્તાધીશો તાનાશાહી વલણ અને રાજકીય દબાણ હેઠળ કામગીરી કરી હોવાનો આક્ષેપ યુથ કોગ્રેસ- NSUI દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ ધાર્મિક લાગણીઓ દુભાયાના આક્ષેપો તથ્યવિહીન છે. નોટિસ પામેલા વિદ્યાર્થીઓ વિવિધ સમાજમાંથી આવે છે અને તેઓ સંવિધાનિક મૂલ્યોના સમર્થક છે. જો યુનિવર્સિટી દ્વારા નિર્દોષ વિદ્યાર્થીઓને આપેલી અન્યાયી નોટિસો પાછી ખેંચવામાં નહીં આવે, આગામી દિવસોમાં NSUI કેમ્પસમાં “હલ્લાબોલ” કરી આંદોલન કરશે, તેવી ચીમકી ઉચ્ચારી છે.

પ્રદેશ કોગ્રેસના પ્રવક્તા ડૉ. હિરેન બેંકરએ જણાવ્યું હતુ કે NSUIના આગેવાનો શિવરાજ બારડ અને યશરાજ ખેરને ટાર્ગેટ કરી સસ્પેન્શનની ધમકી આપવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીના સત્તાવાળાઓ આક્ષેપ કરે છે કે, હિંદુ ધર્મની લાગણીઓ દુભાઈ છે. પરંતુ જે વિદ્યાર્થીઓના નામ પત્રમાં લખવામાં આવેલા છે તે દરેક વિદ્યાર્થી સનાતન ધર્મમાંથી આવે છે. આ વિદ્યાર્થીઓએ ગાંધીજીનું અપમાન કર્યું છે. પરંતુ આ એજ વિદ્યાર્થીઓ છે જેમણે ગોડસેના નાટકનો વિરોધ કર્યો હતો. તો શું આ વિદ્યાર્થીઓ ગાંધીજીનું અપમાન કરી શકે ખરા ? આ એ જ વિદ્યાર્થીઓ છે જે ગોડસેના વિરોધમાં અને ગાંધીજીના પક્ષમાં વાત કરી રહ્યાં છે

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ અને રજીસ્ટ્રાર ફરી વખત પોતાની સત્તા અને પદ ટકાવી રાખવા માટે, ગંદા હે પર ધંધા હે તેવી નીતિ અપનાવી રહ્યાં છે. યુનિવર્સિટીને સંઘ અને ભાજપનો રાજકીય અડ્ડો બનાવી દેવામાં આવ્યો છે. NSUIના વિદ્યાર્થી આગેવાનો શિવરાજ બારડ અને યશરાજ ખેર, જેઓ આંદોલન સમયે હાજર પણ નહોતા, તેમને જાણી જોઈને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીના સત્તાવાળાઓ દ્વારા નિર્દોષ વિદ્યાર્થીઓને આપેલી અન્યાયી નોટિસો પાછી ખેંચવામાં આવે તેવી માગણી છે.

Most Popular

To Top