એક્ટિવા અને રિક્ષાને અડફેટે લઈ પાર્કિગમાં ઉભેલી કાર સાથે અથડાઈને સર્જ્યો ગમખ્વાર અકસ્માત
વર્ધીધારી પોલીસકર્મીની કારમાંથી દેશી દારૂની બોટલ અને ગ્લાસ મળી આવ્યા, કાયદાના રખેવાળની કરતૂતથી શહેર સ્તબ્ધ
(પ્રતિનિધિ), વડોદરા. તા.25
વડોદરામાં કાયદાના રક્ષક જ ભક્ષક બન્યા હોય તેવી આઘાતજનક ઘટના સામે આવી છે. શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા પ્રતાપનગર બ્રિજ પાસે બરોડા ડેરી નજીક એક નશામાં ધૂત પોલીસકર્મીએ પોતાની કાર બેફામ રીતે હંકારી એક્ટિવા, રિક્ષા અને પાર્ક કરેલી કારને અડફેટે લેતા ભારે હોબાળો મચી ગયો હતો. આ અકસ્માતમાં એક મહિલા સહિત બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.



પ્રાપ્ત વિગતો અનુસાર, આજે મકરપુરા રોડ પર પ્રતાપનગર બ્રિજ પાસે એક કાર ચાલકે અચાનક સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. ફૂલ સ્પીડમાં આવી રહેલી કારે માર્ગ પર જઈ રહેલી એક એક્ટિવા સવાર મહિલા અને રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. આટલેથી ન અટકતા, કારે સાઈડમાં પાર્ક કરેલી અન્ય એક ગાડીને પણ અડફેટે લીધી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે એક્ટિવા ચાલક મહિલા ફંગોળાઈ હતી. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. લોકોએ જ્યારે કાર ચાલકને બહાર કાઢ્યો ત્યારે ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. કાર ચાલક પોતે પોલીસ વર્ધીમાં હતો અને તે નશામાં હોવાનું જણાઈ આવતું હતું. સ્થાનિકોના આક્ષેપ મુજબ, તપાસ કરતા કારમાંથી દેશી દારૂની બોટલ પણ મળી આવી હતી. પોલીસની જ ગાડીમાં દારૂ જોઈને લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. આ દુર્ઘટનામાં એક્ટિવા ચાલક મહિલા અને રિક્ષા ચાલકને ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરતા ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેવું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા જ મકરપુરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અકસ્માત સર્જનાર શખ્સ પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે. પોલીસે હાલ આરોપી પોલીસકર્મીની અટકાયત કરી છે અને તેનું મેડિકલ પરીક્ષણ કરાવવાની તજવીજ હાથ ધરી છે. ‘દારૂબંધી’ વાળા રાજ્યમાં જ્યારે પોલીસકર્મી જ નશામાં ધૂત થઈ અકસ્માત સર્જે, ત્યારે કાયદા અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.