ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) અધિનિયમમાં સુધારા સૂચવતું વિધેયક સર્વાનુમતે પસાર થયું છે. શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળીયા દ્વારા રજૂ કરાયેલા આ સુધારા વિધેયકને આધુનિક સમયની માંગ મુજબ અને ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસને પ્રોત્સાહન આપતું મહત્વપૂર્ણ પગલું ગણાવવામાં આવ્યું છે.તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2019ના અધિનિયમમાં કામદારોની કામની સ્થિતિમાં સુધારો, સ્ત્રીઓ માટે રોજગારીની વધુ તકો, વેપારીઓને અનુકૂળ વાતાવરણ અને 365 દિવસ સંસ્થા ચલાવવાની છૂટ સહિતની જોગવાઈઓ પહેલેથી જ અમલમાં છે. હવે નવા સુધારા દ્વારા બદલાતી સામાજિક અને આર્થિક પરિસ્થિતિને અનુરૂપ કાયદાને વધુ વ્યાવહારિક બનાવવામાં આવ્યો છે. અગાઉ 10 કે તેથી વધુ કામદારો ધરાવતી દુકાનો અને સંસ્થાઓને કાયદો લાગુ પડતો હતો. હવે આ મર્યાદા વધારીને 20 કે તેથી વધુ કામદારો ધરાવતી દુકાનો અને સંસ્થાઓ માટે રાખવામાં આવી છે. 20થી ઓછા કર્મચારીઓ ધરાવતી દુકાનોને નોંધણી કરાવવાની ફરજ રહેશે નહીં, પરંતુ ઓનલાઇન જાણ કરવી પડશે. આ પગલાથી નાના વેપારીઓ અને સ્ટાર્ટ-અપ્સને રાહત મળશે.
આર્થિક પ્રવૃત્તિને વેગ આપવા દૈનિક કામના કલાકોની મર્યાદા 9 કલાકથી વધારીને 10 કલાક કરવામાં આવી છે. સળંગ કામના કલાકોની મર્યાદા 5 કલાકથી વધારીને 6 કલાક કરાઈ છે. તેમજ ત્રણ મહિનામાં ઓવરટાઇમની મહત્તમ મર્યાદા 125 કલાકમાંથી વધારીને 144 કલાક કરાઈ છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે ઉત્પાદકતામાં વધારો થવાથી વેપારીઓના નફામાં વધારો થશે અને કર્મચારીઓની આર્થિક સુખાકારીમાં પણ વધારો થશે.
મહિલા શ્રમયોગીની સંમતિ હોય અને સંસ્થા દ્વારા આરામ રૂમ, શૌચાલય, સુરક્ષા વ્યવસ્થા, જાતીય સતામણી સામે રક્ષણ અને નિવાસસ્થાને લાવવા-લઈ જવાની વ્યવસ્થા ઉપલબ્ધ હોય તો મહિલાઓને રાત્રે 9થી સવારે 6 વાગ્યા દરમિયાન કામ કરવાની મંજૂરી આપવામાં આવશે. કામના સ્થળે મહિલાની ગરિમા, સુરક્ષા અને સલામતી જળવાઈ રહે તે માટે કાયદામાં સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે.