Columns

એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ સત્તા, સોદાબાજી અનેરહસ્યોનું રાજકારણ

નોર્વેના ટેર્જે રોડ લાર્સનનું નામ જેફરી એપસ્ટીનની ફાઇલોમાં ચમક્યું અને તેમણે તરત જ રાજીનામું આપી દીધું. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં એપસ્ટીન ફાઇલોના વિસ્ફોટને પગલે વિશ્વના દસ દેશોમાં વરિષ્ઠ રાજકીય અધિકારીઓએ રાજીનામાં આપી દીધાં છે. ભારતમાં પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીનું નામ આ દસ્તાવેજોમાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે, પરંતુ અહીં રાજીનામાનો કોઈ ઉલ્લેખ નથી. તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને દાવો કર્યો કે તેઓ એપસ્ટીનને માત્ર સત્તાવાર કાર્યક્રમોમાં જ મળ્યા હતા. જો કે, પુરીનું નામ ફાઇલમાં હોવું એ કદાચ સૌથી ઓછી ચોંકાવનારી બાબત છે. રાજકારણમાં તમારે ગમે-તે પ્રકારના લોકોને મળવું તો પડે જ, પત્રકાર તરીકે તમે કોઈ ખુની કે કોઈ દાણચોરને મળતો તો એ તમારા કામનો ભાગ છે, રાજકારણીઓ કે અધિકારીઓને મામલે પણ એવું હોય જ છે કે તેમણે ગમે તે પ્રકારના લોકોને મળવું પડે.
જેફરી એપસ્ટીનનું નેટવર્ક માત્ર શારીરિક શોષણ માટે નહોતું, પરંતુ તે ભૌગોલિક-રાજકીય ગોઠવણો કરવાનું એક મધ્યસ્થી કેન્દ્ર હતું. પ્રશ્ન એ છે કે રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને ટેક જાયન્ટ્સને એપસ્ટીનની જરૂર કેમ પડતી હતી? કનેક્શન્સ વિના રાજકીય ખેલ શક્ય નથી.


એપસ્ટીન ફાઇલ્સમાં અનિલ અંબાણીએ ‘સ્વીડિશ યુવતી’ની વ્યવસ્થા કરવા વિશે કરેલી વાતચીત કરતાં પણ વધુ વિસ્ફોટક એ ચેટ્સ છે, જેમાં આંતરરાષ્ટ્રીય રાજનીતિના પ્યાદાં ગોઠવવાની વાત છે. અહીં મામલો સેક્સ સ્કેન્ડલનો નથી, પરંતુ ‘સેક્સ્યુઅલ કોમ્પ્રોમેટ’ (જાતીય બ્લેકમેઈલ) કેવી રીતે આંતરરાષ્ટ્રીય સોદાબાજીમાં એક મજબૂત ‘ચલણ’ બની ગયું, તેનો છે. કમનસીબે, ભારતના ભદ્ર વર્ગના લોકો પણ આવા નેટવર્કનો ઉપયોગ બેક-ચેનલ ડિપ્લોમસી માટે કરતા હતા.
આ વાત ખાત નોંધવી કે એપસ્ટીન ફાઇલના દસ્તાવેજો સંસ્થાકીય નિષ્ફળતા અને ‘ભૂલભરેલી પસંદગી’ પર સવાલ ઉઠાવે છે. આ આક્ષેપો US ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના જાહેર દસ્તાવેજો અને કોર્ટ રેકોર્ડ્સ પર આધારિત છે, જેનો હેતુ કોઈ વ્યક્તિ પર ગુનાહિત આરોપ મૂકવાનો નહીં પણ પારદર્શિતાની તપાસ કરવાનો છે.
બેક-ચેનલ ડિપ્લોમસી
આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ક્યાં ‘ભૌગોલિક-રાજકીય મહેરબાની’ની જરૂર પડી, તે આ ટાઇમલાઇન પરથી સ્પષ્ટ સમજાય છે. માર્ચ ૨૦૧૭માં વડાપ્રધાન મોદીના અમેરિકા પ્રવાસના ત્રણ મહિના પહેલા, અનિલ અંબાણીએ એપસ્ટીન પાસે ટ્રમ્પ પ્રશાસનના કુશનર અને બેનન સાથે તાત્કાલિક મુલાકાત માંગી. અંબાણીના શબ્દો હતા: ‘દિલ્હીનું નેતૃત્વ આ ઈચ્છે છે.’ મે ૨૦૧૯માં અંબાણી અને એપસ્ટીન ફરી મળ્યા. જે બાદ એપસ્ટીને બેનનને મેસેજ કર્યો કે, ‘PM મોદીના માણસ ફરિયાદ કરે છે કે વોશિંગ્ટનમાં કોઈ તેમની સાથે વાત નથી કરી રહ્યું.’ સપ્ટેમ્બર ૨૦૧૬માં રાફેલ સોદો થયો અને તેના ગણતરીના મહિનાઓમાં જ અંબાણીની નવી કંપનીને ૨૧,૦૦૦ કરોડના ઓફસેટ કોન્ટ્રાક્ટ મળ્યા. માર્ચ ૨૦૧૭માં અંબાણી પેરિસમાં એપસ્ટીન અને ઇઝરાયેલના પૂર્વ PM એહુદ બરાક સાથે ડિનર કરવાના હતા, પરંતુ છેલ્લી ઘડીએ તે રદ કરીને તેઓ ફ્રાંકોઇસ ઓલાંદ (તત્કાલીન ફ્રેન્ચ રાષ્ટ્રપતિ) ને મળ્યા. બાદમાં ઓલાંદે જ કબૂલ્યું હતું કે રિલાયન્સને ભાગીદાર બનાવવા માટે ‘ભારતીય પક્ષ’નો આગ્રહ હતો. આ તરફ જુલાઈ ૨૦૧૭માં મોદીની ઐતિહાસિક ઇઝરાયેલ મુલાકાત બાદ એપસ્ટીને ઈમેઈલમાં શ્રેય લેતા લખ્યું: ‘સલાહ માની… પ્લાન સફળ રહ્યો.’ આ જ ગાળામાં, હરદીપ સિંહ પુરી (હાલના કેબિનેટ મંત્રી) ૨૦૧૫ થી ૨૦૧૭ વચ્ચે એપસ્ટીનને તેના મેનહટન નિવાસસ્થાને ૩-૪ વાર મળ્યા હતા. આ તમામ મુલાકાતો એપસ્ટીન સેક્સ અપરાધી જાહેર થયા પછી થઈ હતી. જો કે એ મુલાકાતો એપસ્ટીનના સંપર્કોના નેટવર્કનો ઉપયોગ કરવા માટે કરવામાં આવી હોય તેવું હોય.
કોમ્પ્રોમેટ: વ્યવસાય કે બ્લેકમેઈલ?
આ ફાઇલ્સમાં સૌથી ખતરનાક વળાંક ‘સેક્સ્યુઅલ કોમ્પ્રોમેટ’ (બ્લેકમેઈલ) વિશે છે. જેને સેક્સ્યુઅલ ગુના માટે સજા થઈ ચૂકી હોય એવો અપરાધી સંરક્ષણને લગતા સોદા, આંતરરાષ્ટ્રીય સત્તાઓ અને બીજી ‘સેવા’ પુરી પાડતો હોય ત્યારે દિલ્હીના નેતૃત્વ સામે સવાલ થાય તે સ્વાભાવિક છે. વળી જો આ બેઠકો કાયદેસર હતી તો સરકારે મૌન તોડવું જોઈએ.
સર્વાધિકાર કે માત્ર દેખાડો?
૪ જુલાઈ, ૨૦૧૭ના વડાપ્રધાન મોદી પેલેસ્ટાઇનને સાથે જોડ્યા વિના ઇઝરાયેલની સ્વતંત્ર મુલાકાત લેનારા ભારતીય વડાપ્રધાન બન્યા. એપસ્ટીને આનો શ્રેય લેતો એક ઇમેઇલ કર્યો, ‘ભારતીય વડા પ્રધાન મોદીએ સલાહ માની અને થોડા અઠવાડિયા પહેલા મળેલા અમેરિકન રાષ્ટ્રપતિના ફાયદા માટે ઇઝરાયેલમાં નાચ્યા અને ગીતો ગાયા. તે કામ કરી ગયું. પ્લાન સફળ રહ્યો.’
અહીં ટાઇમલાઇન નોંધવી જરૂરી છે. જૂન ૨૦૧૭માં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મોદીની પહેલી મુલાકાતના થોડા અઠવાડિયા પછીનો સમય હતો. ભારત તેના બિન-જોડાણવાદી વારસાથી દૂર હટીને અમેરિકા-ઇઝરાયેલ ધરી તરફ વળી રહ્યું હતું. ઇઝરાયેલ પાસેથી સંરક્ષણ ખરીદી આસમાને પહોંચવાની હતી. નેતન્યાહુ ૨૦૧૮માં ભારતની મુલાકાતે આવવાના હતા. આ એક રાષ્ટ્ર તરીકે ભારતે પોતે પસંદ કરેલી બાબતો હતી કે એપસ્ટીનના ઇમેલની માફક આ બધી એક ગોઠવણ માત્ર હતી? એપસ્ટીનના નેટવર્કમાં ઇઝરાયેલના ભૂતપૂર્વ PM એહુદ બરાક હતા, જે એપસ્ટીન અને અંબાણી સાથેના કનેક્શન સહિત ફાઇલોમાં વારંવાર દેખાય છે.
જો વિદેશમંત્રાલયને મતે આ દાવા પાયાવિહોણા છે તો સ્વતંત્ર તપાસ થવા દેવી જોઇએ. સંસદે રાહુલ ગાંધીના પ્રશ્નો કેમ કાઢી નાખ્યા? મુદ્દો એ નથી કે મોદી વ્યક્તિગત રીતે એપસ્ટીનને મળ્યા હતા કે નહીં, આમ પણ તેનો કોઈ પુરાવો નથી. મુદ્દો એ છે કે ભારતની વિદેશ નીતિ એવા નેટવર્કથી પ્રભાવિત હતી જે ‘સેક્સ્યુઅલ કોમ્પ્રોમેટ’ને ચલણ તરીકે વાપરતી હતી? એક અપરાધી સાબિત થયેલા માણસની પહોંચ ભારતના વ્યૂહાત્મક નિર્ણયો પર ચાલતી હતી? દાવા ખોટા હોય તો તપાસ થવા દેવી જોઇએ.
રાજદ્વારી પહોંચ અને ‘પ્લોસિબલ ડિનાયબિલિટી’
હરદીપ સિંહ પુરીએ સ્વીકાર્યું છે કે તેઓ એપસ્ટીનને તેના મેનહટનના ઘરે ત્રણ-ચાર વખત મળ્યા હતા. પણ એ મળ્યા તેના આઠેક વર્ષ પહેલાં એપસ્ટીનને સગીરાઓના શોષણ માટે સજા ફટકારાઈ હતી. આવા માણસને મળવું જરૂરી હતું? હરદીપ સિંહ પુરીનું કહેવું છે કે પહેલી વખત ઇન્ટરનેશનલ પીસ ઇન્સ્ટિટ્યૂટના (IPI) તેમના બોસ ટેરિયે રોડ-લાર્સને તેમને ‘ભેરવી’ દીધા હતા. ઇમેઇલ્સમાં કંઇ બીજું વર્તાય છે. ડિસેમ્બર ૨૦૧૪માં, પુરીએ એપસ્ટીનને લખ્યું હતું: ‘તમે તમારા વિદેશી ટાપુ પરથી ક્યારે પાછા આવો છો તે જણાવશો. મારે વાતચીત માટે આવવું છે.’ જાન્યુઆરી ૨૦૧૭માં, તેમણે ‘મારા પુસ્તકની નકલ આપવા માટે આવવા’ બીજી મુલાકાત માંગી. મે ૨૦૧૭માં, તેમણે એપસ્ટીનના ટાઉનહાઉસ પર સવારે ૧૧ વાગ્યે મળવાનું કન્ફર્મ કર્યું. આ કોઈ ઓચિંતી મુલાકાતો નથી. આ વિધિવત એપોઇન્ટમેન્ટ્સ છે.
IPI કનેક્શન તેનું કારણ હોઈ શકે છે. લાર્સનને એપસ્ટીનના વસિયતનામામાં $2 મિલિયન મળ્યા હોવાનું કહેવાય છે, જે એપસ્ટીનના મૃત્યુના બે દિવસ પહેલા સાઇન થયું હતું. આ તરફ ફાઇલો બહાર આવી, ત્યારે લાર્સને નોર્વેમાં રાજીનામું આપ્યું.

ઈમેઈલ્સ પરથી સાબિત થાય છે કે પુરીને એપસ્ટીન સાથે થોડોઘણો ઘરોબો તો હતો કારણ કે તેમણે એપસ્ટીનના કોઈ આસિસ્ટન્ટ જેને ભારતીય લગ્ન અટેન્ડ કરવા હતા તેમને માટે વિઝાની વ્યવસ્થા કરવાની તૈયાર બતાડી હતી. વળી એપસ્ટીનના ‘એક્ઝોટિક આઇલેન્ડ’ વિશે પણ તેમને ખબર હતી. છતાં વિદેશ મંત્રાલય પાસે આ મુલાકાતોનો કોઈ રેકોર્ડ નથી.
ભાજપના જ સુબ્રમણ્યમ સ્વામીએ એપસ્ટીન ફાઇલો જાહેર થઈ તે પહેલાં વિસ્ફોટક દાવા કર્યા હતા. તેમની સામે માનહાનિનો કોઈ દાવો નહોતો કરાયો. સુબ્રમણ્યમ સ્વામીના દાવા અને ફાઈલો વચ્ચે સમાનતા કંઇક કડીઓ જોડાઈ તેમ લાગ્યું ત્યારે પણ કોઈ ચોખવટ ન કરી અને સંસદે પોતાના રેકોર્ડમાંથી પુરી વિશેના પ્રશ્નો કાઢી નાખ્યા.
૨૦૨૧માં મંત્રી તરીકે હરદીપ સિંહની પ્રગતિ એ યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયન તેલ પરના ડિસ્કાઉન્ટના સમયે થઈ એ પણ સવાલો ખડા કરે છે. ભારત જ્યારે અમેરિકાના દબાણ વચ્ચે રશિયા સાથે એનર્જી સંબંધોને મામલે સંતુલન સાધવાનો પ્રયાસ કરી રહ્યો છે ત્યારે એવો કોઈ મંત્રી જે અમેરિકન ઇન્ટેલિજન્સ એનન્સીઓની માહિતીને પગલે સંભવિત રીતે દબાણમાં હોઈ શકે તે ભારતના હિતમાં નિષ્પક્ષ વાટાઘાટ કરી શકે?
જેફરી એપસ્ટીન કોઈ વિકૃત અબજોપતિ નહોતો તે રાજકારણીઓને ઓળખતો હતો. તે એક જિઓ-પૉલિટિકલ ‘ફિક્સર’ હતો જેના જાતીય ગુનાઓ તેના કામની એક પદ્ધતિ હતી, વિકૃતિ નહીં. કોમ્પ્રોમેટ એટલે કે કોઈપણ વ્યક્તિ વિશેની એવી માહિતી એકઠી કરવી જેના થકી તેને બ્લેકમેલ કરી શકાય, તેને સમાધાન કરવા મજબૂર કરી શકાય વગેરે. જેફરીની કામગીરી કોમ્પ્રોમેટના માળખાથી જ ચાલતી હતી. તેણે એવા લોકો સાથે ઓળખાણો રાખી જે મહત્વાકાંક્ષી નેતાઓ, ઉદ્યોગપતિઓ હોય અને જેને અમેરિકા, ઇઝરાયલ કે યુરોપના સત્તાના કેન્દ્રો સુધી પહોંચવું હોય. ચાવી રૂપ માણસો સાથે મુલાકાત ગોઠવવી, વધારાની ‘સર્વિસિઝ’ આપવી, અને આ બધાનું ડોક્યુમેન્ટેશન ઇમેઈલ્સ, પ્રોપ્રટીમાં ગોઠવાયેલા કોમેરાઝથી કરવું. જરૂર પડે ત્યારે આ બધી માહિતીઓ વાપરીને દબાણ કરીને ધાર્યું પરિણામ મેળવવું.
હજી તો ઇન્ટેલિજન્સ એજન્સીઝ સાથેના જોડાણની વાતો ચર્ચામાં છે. પત્રકાર વિકી વોર્ડેના રિપોર્ટ અનુસાર ભૂતપૂર્વ યુએસ એટર્ની એલેક્ઝાન્ડર એકોસ્ટાએ ૨૦૦૮ની સોફ્ટ ડિલને મામલે એવું કહ્યુ હતું કે ‘તેમને કહેવામાં આવ્યું હતું કે એપસ્ટીન ઇન્ટેલિજન્સનો માણસ છે.’
ભારતના મામલે જે થયું તેમાં પણ આ પેટર્ન બંધ બેસે છે. આ કોઈ કાવતરું નથી. આ અમેરિકી કાયદા હેઠળ બહાર પાડવામાં આવેલા ઈમેઈલ્સ, ફ્લાઈટ લોગ્સ અને નાણાંકીય રેકોર્ડ્સમાં નોંધાયેલી બાબતો છે.
તફાવત એકદમ સ્પષ્ટ છે: જ્યાં નોર્વે, યુકે અને સ્વીડન જેવા દેશોમાં એપસ્ટીન ફાઇલ્સમાં નામ આવતા જ નેતાઓએ રાજીનામાં આપ્યા. દસ્તાવેજી સંકેતો હોવા છતાં તપાસને બદલે પ્રેસ કોન્ફરન્સ યોજવી અને સંસદીય પ્રશ્નોને રેકોર્ડ પરથી ભૂંસી નાખવા યોગ્ય નથી.
આ એક વ્યવસ્થિત પેટર્ન છે, યુએસ ‘ડીપ સ્ટેટ’ની એ પદ્ધતિ જેમાં ‘સેક્સ્યુઅલ કોમ્પ્રોમેટ’ દ્વારા વ્યક્તિગત નબળાઈઓને નીતિવિષયક દબાણમાં ફેરવવામાં આવે છે. ભારત જ્યારે રશિયા પાસેથી તેલ અને ક્વાડ (Quad) જેવા મહત્વના વ્યૂહાત્મક નિર્ણયો લઈ રહ્યું હોય, ત્યારે પ્રશ્ન એ થાય કે આ નીતિઓ કોના હિતમાં ઘડાઈ રહી છે?

Most Popular

To Top