કોઈ માણસનું નસીબ ખરાબ હોય ત્યારે તેને મદદ કરવા કોઈ આવતું નથી પણ મિત્રો પણ દૂર થઈ જાય છે. અભિનેતા રાજપાલ યાદવ તેના જમાનાનો ઉત્તમ કોમેડિયન હતો. કેટલીક ફિલ્મોમાં તેને હીરોનો રોલ પણ મળ્યો હતો. રાજપાલ યાદવની પેઢીનાં કેટલાંક કલાકારો દોમદોમ સાહ્યબીમાં આળોટે છે, જ્યારે રાજપાલ યાદવ તિહાર જેલમાં ચક્કી પીસી રહ્યો છે. સલમાનખાન જેવા અભિનેતા સદોષ મનુષ્યવધ અને હરણનો શિકાર જેવા ગંભીર ગુનામાં અપરાધી ઠર્યો હોવા છતાં વકીલો પાછળ લખલૂટ ખર્ચાઓ કર્યા પછી જેલની બહાર રહી શકે છે પણ રાજપાલ યાદવ પાસે વકીલોની ફી ચૂકવવાના રૂપિયા ન હોવાને કારણે ચેક બાઉન્સના મામૂલી કેસમાં તેણે જેલની સજા ભોગવવાની નોબત આવી છે. ફિલ્મોદ્યોગમાં બધા ઊગતા સૂરજની જ પૂજા કરે છે પણ આથમતા સિતારાને સહાય કરવા કોઈ આવતું નથી, તેનો અનુભવ રાજપાલને થઈ ગયો છે.
ચેક બાઉન્સ કેસમાં ગયા અઠવાડિયે ગુરુવારે તિહાર જેલમાં બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવે આત્મસમર્પણ કર્યું છે. હકીકતમાં, દિલ્હી હાઈકોર્ટે તેને આત્મસમર્પણ માટે ૪ ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે કોર્ટના નિર્દેશોની અવગણના કાયદા પ્રત્યે આદરનો અભાવ દર્શાવે છે અને અભિનેતાને તેના વ્યવસાય અથવા ફિલ્મ ઉદ્યોગ સાથેના તેના જોડાણના આધારે કોઈ ખાસ છૂટ આપી શકાતી નથી. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાજપાલ યાદવ જેલમાં આત્મસમર્પણ કરતાં પહેલાં ભાવનાત્મક થઈ ગયો હતો.
રાજપાલ યાદવ ૫ ફેબ્રુઆરીએ તિહાર જેલ પહોંચ્યો હતો. તેના આર્થિક સંકટ અંગે સોશ્યલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ છે અને કેટલાંક લોકોએ તેને આર્થિક મદદની જાહેરાત પણ કરી છે. બોલિવૂડના અભિનેતા સોનુ સૂદે તેમના ભાવિ પ્રોજેક્ટ માટે સાઇનિંગ રકમની જાહેરાત કરી હતી, જ્યારે લાલુ યાદવના પુત્ર અને જનશક્તિ જનતા દળના નેતા તેજપ્રતાપે સહાયની જાહેરાત કરી હતી. આ પછી ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલાં ઘણાં લોકોએ રાજપાલ યાદવ માટે મદદની અપીલ કરી હતી.
રાજપાલ યાદવ ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લાના પુવૈયાનો રહેવાસી છે. તેણે લખનૌની ભારતેન્દુ નાટ્ય એકેડમી અને દિલ્હીની નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા (NSD)માં અભિનયનો અભ્યાસ કર્યો હતો. તેણે ભૂલભુલૈયા, ફિર હેરા ફેરી, ચૂપ ચૂપ કે, અને હંગામા જેવી ફિલ્મોમાં યાદગાર કોમેડી ભૂમિકાઓ ભજવી હતી. રાજપાલ યાદવ સામેનો કેસ ફિલ્મ આતા પતા લાપતા’ સાથે સંબંધિત છે. ૨૦૧૨ માં રાજપાલ યાદવે ફિલ્મ “આતા પતા લાપતા’ નું નિર્માણ કર્યું, જેનું દિગ્દર્શન અને નિર્માણ તેણે વ્યક્તિગત રીતે કર્યું હતું.
આ ફિલ્મમાં આશુતોષ રાણા, વિજય રાઝ, દારા સિંહ, ગોવિંદ નામદેવ, અમિત બહલ, અસરાની, ઓમ પુરી, મુકેશ ભટ્ટ, મુસ્તાક શેખ, રઝાક ખાન, શરત સક્સેના, નિરજ સૂદ, મુકેશ તિવારી અને મનોજ જોશી સહિત અન્ય કલાકારો હતાં. રાજપાલ યાદવના દિગ્દર્શન હેઠળની ફિલ્મ આતા પતા લાપતા’ ૨૦૧૨ માં રિલીઝ થઈ હતી. જ્યારે ફિલ્મનું સંગીત લોન્ચ થયું ત્યારે અભિનેતાએ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને ખાસ મહેમાન તરીકે આમંત્રણ આપ્યું હતું. ફિલ્મના સંગીત લોન્ચમાં હાજરી આપનારા અમિતાભ બચ્ચને રાજપાલ યાદવની પ્રશંસા કરતાં કહ્યું હતું કે મને ગર્વ છે કે રાજપાલ યાદવે મને અહીં આમંત્રણ આપ્યું. એ મારું સૌભાગ્ય છે કે મેં ભૂતકાળમાં છોટા ડોનમાં તેની સાથે કામ કર્યું છે.
આ કાર્યક્રમમાં બિગ બીએ રાજપાલ યાદવના સંઘર્ષો અને તેમણે ઉદ્યોગમાં પોતાના માટે એક વિશિષ્ટ સ્થાન કેવી રીતે બનાવ્યું તે વિશે પણ ખુલ્લેઆમ વાત કરી હતી. અમિતાભ બચ્ચન તરફથી આ પ્રશંસા સાંભળીને રાજપાલ યાદવ ખૂબ જ પ્રભાવિત થયો હતો અને તેણે બિગ બીને હિન્દી સિનેમાના ભીષ્મ પિતામહ કહ્યા હતા. આશરે ૧૧ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર માત્ર ૩૮ લાખ રૂપિયાની કમાણી જ કરી શકી હતી, જેના પરિણામે અભિનેતાને નુકસાન થયું હતું. મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ ફિલ્મ માટે આશરે પાંચ કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું હતું.
અભિનેતાને નાણાંકીય નુકસાન થયું હતું, જેને કારણે તે કંપનીને પૈસા ચૂકવવામાં અસમર્થ રહ્યો હતો. લોન ચૂકવવા માટે કંપનીને આપવામાં આવેલા અનેક ચેક બાઉન્સ થયા હતા, જેના કારણે રાજપાલ યાદવ સામે ચેક બાઉન્સનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ૨૦૧૮ માં દિલ્હીની એક ટ્રાયલ કોર્ટે રાજપાલ યાદવને દોષિત ઠેરવ્યો હતો અને છ મહિનાની જેલની સજા ફટકારી હતી. જાન્યુઆરી ૨૦૧૯ માં સેશન્સ કોર્ટે પણ આ નિર્ણયને સમર્થન આપ્યું હતું. બાદમાં આ કેસ દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો હતો, જ્યાં સજા પર રોક લગાવવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટે ૨૦૨૪ માં લોનની રકમ પરત કરવાની ખાતરી પર સજા પર રોક લગાવી હતી, પરંતુ આવું થયું નહીં. રાજપાલ યાદવ રૂપિયા ચૂકવી શક્યો નહીં.
રાજપાલ યાદવે ડિસેમ્બર ૨૦૨૫ અને જાન્યુઆરી ૨૦૨૬માં કોર્ટને રકમ ચૂકવવાનું વચન આપ્યું હતું, પરંતુ તે તેમ કરવામાં નિષ્ફળ ગયો હતો. આ પછી કોર્ટે ૪ ફેબ્રુઆરીએ તેને આત્મસમર્પણનો આદેશ આપ્યો હતો. હાઈ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે કોર્ટ એવા નિષ્કર્ષ પર આવી છે કે અરજદાર નંબર ૧નું વર્તન નિંદનીય છે. વારંવાર ખાતરી આપવા છતાં તેણે સમયાંતરે પસાર કરાયેલા આદેશોનું પાલન કર્યું નથી. અભિનેતાએ ઘણી વખત નાણાંની ચૂકવણીની ખાતરી આપી હતી પરંતુ તે નિર્ધારિત સમયમર્યાદામાં રકમ જમા કરવામાં નિષ્ફળ ગયો હતો. હાઈ કોર્ટે આ વાતને ગંભીરતાથી લેતાં કહ્યું કે વારંવાર આપેલા આશ્વાસનનો ભંગ થયો છે.
આ પહેલાં પણ વર્ષ ૨૦૧૩ માં રાજપાલ યાદવને ખોટાં સોગંદનામાં દાખલ કરવાના કેસમાં ૩ દિવસ તિહાર જેલમાં મોકલવામાં આવ્યો હતો. નીચલી કોર્ટમાંથી સજા મળ્યા પછી ૨૮ એપ્રિલ, ૨૦૧૮ ના રોજ રાજપાલ યાદવે શાહજહાંપુરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તેને એક ષડ્યંત્ર હેઠળ ફસાવવામાં આવ્યો છે. રાજપાલ યાદવે એક યુટ્યુબ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેણે કોઈ છેતરપિંડી કરી નથી. કંપનીએ ફિલ્મ ‘આતા પતા લાપતા’ બનાવવા માટે ૫ કરોડ રૂપિયા આપ્યા હતા. આ એક રોકાણ હતું. હું ક્યારેય ‘આતા પતા લાપતા’નો દિગ્દર્શક નહોતો. આ જ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં બોલિવૂડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ રાજપાલ યાદવ વિશે કહ્યું હતું કે જ્યારે રાજપાલ કામ કરતો હતો, ત્યારે ઘણાં લોકો તેના ઘરે જમતા હતા અને તે ક્યારેય ઉફ્ફ શબ્દ પણ બોલતો નહોતો. જ્યારે અમે સંઘર્ષ કરી રહ્યા હતા અને ઘણા કલાકારો સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે રાજપાલનું ઘર લંગર જેવું હતું. આ જ ઇન્ટરવ્યુમાં તેમણે રાજપાલ યાદવને બોલિવૂડના સૌથી શિક્ષિત અભિનેતાઓમાંના એક તરીકે વર્ણવ્યો હતો.
અહેવાલ મુજબ, રાજપાલ યાદવે ભૂલભુલૈયા-૨માં છોટે પંડિતની ભૂમિકા ભજવવા માટે અંદાજે સવા કરોડ રૂપિયાનો ચાર્જ લીધો હતો. કાર્તિક આર્યન અભિનીત ચંદુ ચેમ્પિયન માટે અભિનેતાને બે કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. રાજપાલ યાદવ દરેક પ્રોજેક્ટ માટે ૧ થી ૨ કરોડ રૂપિયા લે છે. રાજપાલ યાદવના મૂવી પ્રોજેક્ટો, રોકાણો અને રિયલ એસ્ટેટમાંથી થતી કમાણી સાથે, તેની કુલ સંપત્તિ ૫૦ થી ૮૫ કરોડ રૂપિયાની વચ્ચે હોવાનું કહેવાય છે. અભિનેતા તેના બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી વાર્ષિક ૩૦-૩૫ લાખ રૂપિયા કમાય છે. તેની પાસે ઓડી અને બીએમડબ્લ્યુ જેવાં લક્ઝરી વાહનો છે. રાજપાલ યાદવ પાસે આટલી મૂડી હોવા છતાં તેણે પાંચ કરોડ રૂપિયા ચૂકવી દેવાને બદલે તિહાર જેલમાં જવાનું કેમ પસંદ કર્યું તે સમજાતું નથી. કદાચ રાજપાલ યાદવે પોતાની બધી મૂડી ગુમાવી દીધી છે, પણ તેના મિત્રોને તેની જાણ નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.