SURAT

વિશ્વાસનો વેપાર, 40 લાખનો ઘાટ! અમદાવાદથી ઝડપાયા બે, 3 આરોપી હજી ફરાર

સુરત શહેરમાં વેપારીઓને નિશાન બનાવી કરવામાં આવતી છેતરપિંડીના બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યા. ત્યારે સારોલી પોલીસ સ્ટેશનની ટીમે એક મોટી કાર્યવાહી કરી 40 લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર ટોળકીના બે મુખ્ય સાગરીતોને અમદાવાદથી ઝડપી અન્ય આરોપી ઓને વોન્ટેડ જાહેર કરી આ મામલા માં વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ પાસે થી મળતી માહિતી મુજબ, સારોલી વિસ્તારમાં ‘શ્રી અરહમ સિલ્ક મિલ્સ’ નામે વેપાર કરતા વિજીત ચંદનકુમાર શાહને પાંચ શખ્સોની ટોળકીએ વિશ્વાસમાં લઇ મોટી છેતરપિંડી આચરી હતી. આરોપીઓએ દલાલ અમીતભાઈ ગુરનાની મારફતે વેપારીનો સંપર્ક સાધ્યો હતો. શરૂઆતમાં નાના ઓર્ડર આપી અને તેનું પેમેન્ટ સમયસર કરી વિશ્વાસ જીતવાની ચાલ રચી હતી . મીઠી-મીઠી વાતો અને વ્યવસાયિક સંબંધો દ્વારા વેપારીને વિશ્વાસમાં લઈ લેવામાં આવ્યા હતા,એકવાર વિશ્વાસ બેસી ગયા બાદ, આરોપીઓએ અલગ-અલગ પેઢીઓના નામે કુલ રૂ. 39,63,228/- નો કાપડનો જથ્થો મંગાવ્યો. માલ મેળવ્યા બાદ પેમેન્ટ બાબતે ખોટા વાયદા, ગલ્લા-તલ્લા અને બહાના શરૂ કર્યા. સમય જતાં વેપારીને સમજાયું કે તેમની સાથે મોટી છેતરપિંડી થઈ છે. આખરે તેમણે સારોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

ફરિયાદના આધારે ખાસ ટીમ બનાવી  ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ચોક્કસ બાતમી મળતા પોલીસે અમદાવાદના સારંગપુર વિસ્તારમાં દરોડો પાડી નરેશકુમાર હીરાલાલ ખટીક અને ગૌરવકુમાર મહેશભાઈ મકવાણાની ધરપકડ કરી.પોલીસ તપાસ દરમિયાન ખુલ્યું કે ગૌરવકુમાર મકવાણા અગાઉ પણ સુરતના ક્રાઈમ બ્રાંચ અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ત્રણ ગુનાઓમાં પણ સંડોવાયેલ છે. એટલે કે, આ ટોળકી વ્યવસાયિક રીતે વેપારીઓને નિશાન બનાવતી હોવાનું અનુમાન છે.

હાલમાં બંને આરોપીઓને કાયદેસર કાર્યવાહી હેઠળ રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપી છગન ભાટી, જયદીપ સોની અને દલાલ અમીત ગુરનાની પોલીસ ચોપડે વોન્ટેડ છે. જેથી તેમની ધરપકડ માટે પોલીસ દ્વારા શોધખોળ તેજ કરવામાં આવી છે.આ બનાવ ફરી એકવાર સૂચવે છે કે વેપારીઓએ અજાણ્યા લોકો સાથે મોટા વ્યવહારો કરતા પહેલા પૂરતી તપાસ અને સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે.

Most Popular

To Top