Vadodara

રાવપુરામાં વીજ ટ્રાન્સફોર્મર પાસે કપિરાજને કરંટ લાગતા ગંભીર રીતે દાઝ્યા

વનવિભાગે કરી સમયસર સારવાર
(પ્રતિનિધિ) વડોદરા, તા. 9
વડોદરા શહેરના રાવપુરા ટાવર ચાર રસ્તા નજીક આવેલા જીઈબીના વીજ ટ્રાન્સફોર્મર પાસે એક કપિરાજને વીજ કરંટ લાગતા તેઓ ગંભીર રીતે દાઝ્યા હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ રેસ્ક્યુ વાન સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને કપિરાજને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી સારવાર માટે લઈ જવાયા હતા.

શહેરમાં ગરમીની શરૂઆત સાથે આગ અને ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. ગીઝર, વોશિંગ મશીન, એસી સહિતના ઇલેક્ટ્રિક ઉપકરણોમાં શોર્ટ સર્કિટના કારણે આગજનીના અનેક બનાવો ફાયર બ્રિગેડના ચોપડે નોંધાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં હવે શહેરના વીજ ટ્રાન્સફોર્મરમાં પણ કરંટ ઉતરવાના બનાવો સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સોમવારે રાવપુરા વિસ્તારમાં આવેલા ટાવર પાસેના જીઈબીના ટ્રાન્સફોર્મર નજીક ફરતા એક કપિરાજને અચાનક ઇલેક્ટ્રિક શોર્ટ લાગ્યો હતો, જેના કારણે તેઓ શરીરના વિવિધ ભાગે ગંભીર રીતે દાઝી ગયા હતા. આ દ્રશ્ય જોતા જ સ્થાનિક લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી.

વન વિભાગના રેસ્ક્યુઅરો રેસ્ક્યુ વાન સાથે સ્થળ પર પહોંચીને ભારે જહેમત બાદ કપિરાજને રેસ્ક્યુ કર્યા હતા અને વન વિભાગની નર્સરી ખાતે લઈ જઈ જરૂરી સારવાર આપવામાં આવી હતી. સમયસર બચાવ કાર્ય થવાથી કપિરાજનો જીવ બચી ગયો હોવાનું જણાવવામાં આવ્યું છે.

Most Popular

To Top