અમદાવાદઃ અમદાવાદથી લંડન 242 પેસેન્જરને લઈને જતું એરઈન્ડિયાનું બોઈંગ પ્લેન મેઘાણીનગર પાસે ક્રેશ થયું છે. આ પ્લેનમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સવાર હોવાની ચર્ચા ઉઠી હતી. આ વાત કન્ફર્મ થઈ છે. રૂપાણી પ્લેનમાં સવાર હતા અને તેઓ પણ આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા છે. હાલ તેઓ સારવાર હેઠળ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ મામલે હાલ એરપોર્ટ ઓથોરિટી તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
વિમાન દુર્ઘટના પછી, આ ફ્લાઇટના મુસાફરોની યાદી પણ સામે આવી છે. એર ઇન્ડિયાના ક્રેશ થયેલા વિમાન (ફ્લાઇટ નંબર AI 171) માં કુલ 230 મુસાફરો હતા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ પણ આ ફ્લાઇટના મુસાફરોની યાદીમાં છે. વિજય રૂપાણીનું નામ મુસાફરોની યાદીમાં 12મા ક્રમે છે અને તેમનો સીટ નંબર 2D છે.
અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. ક્રેશ સ્થળ પરથી આકાશમાં કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે અમદાવાદ એરપોર્ટ પરથી વિમાન ઉડાન ભર્યા પછી તરત જ આ અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ, આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું અને અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી મેઘાણીનગર નજીક ક્રેશ થયું. એરપોર્ટથી મેઘાણીનગરનું અંતર લગભગ 15 કિલોમીટર છે.

અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું. આ પ્લેનમાં 200 જેટલા પેસેન્જર અને કાર્ગો પણ હતું.
પ્લેન ક્રેશ થવાના લીધે જોરદાર બોમ્બ બ્લાસ્ટ થયો હોય તેવો અવાજ દૂર સુધી આવ્યો હતો. પ્લેનમાં લાગેલી આગના ધૂમાડા ઊંચે ઉડ્યા હતા જે દૂરથી જોઈ શકાતા હતા. આ તરફ મોટા અકસ્માતના પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ દોડાદોડી થઈ ગઈ છે.
ફાયર અને પોલીસને મેસેજ મળ્યો છે. જેને પગલે તેઓ ઘટનાસ્થળે જવા રવાના થયા છે. આ દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઘટનાના પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ માટે રવાના થયા છે. ગૃહમંત્રી અમિત શાહે અકસ્માત અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાત કરી છે. રાહત અને બચાવ માટે સાતથી આઠ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રાષ્ટ્રીય આપત્તિ બચાવ દળ (NDRF) ની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. અમદાવાદની તમામ હોસ્પિટલોને એલર્ટ કરી દેવામાં આવી છે. અમદાવાદના તમામ ડોક્ટરોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં પહોંચવા સરકારે આદેશ કર્યો છે.