રશિયાના કઝાન શહેરમાં મોટો ડ્રોન હુમલો થયો છે. રશિયન મીડિયા અનુસાર કઝાનમાં અનેક બહુમાળી ઈમારતો સાથે ડ્રોન અથડાયા છે. આ હુમલો 2001માં અમેરિકામાં 11 સપ્ટેમ્બરના હુમલાની જેમ કરવામાં આવ્યો છે. આ હુમલામાં થયેલા નુકસાન અંગે હજુ સુધી માહિતી સામે આવી નથી, પરંતુ જે રીતે ડ્રોન રહેણાંક બિલ્ડિંગો સાથે અથડાયા હતા અને જે રીતે વિસ્ફોટ અને ઈમારતોમાં આગ લાગી હતી તેના કારણે ભારે નુકસાન થવાની આશંકા છે. હુમલાનો વીડિયો પણ સામે આવ્યો છે. રશિયાના કુર્સ્ક પ્રદેશના રિલસ્ક શહેરમાં યુક્રેનના મિસાઈલ હુમલામાં એક બાળક સહિત છ લોકોના મોતના સમાચાર છે. આ હુમલામાં અન્ય 10 લોકો ઘાયલ પણ થયા છે.
રશિયાના કઝાન શહેરમાં શનિવારે સવારે અમેરિકાના 9/11 જેવો હુમલો થયો હતો. ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર કઝાનમાં 8 ડ્રોન હુમલા થયા છે જેમાંથી 6 રહેણાક ઈમારત પર થયા છે. આ હુમલો મોસ્કોથી 800 કિલોમીટર દૂર થયો હતો. હજુ સુધી હુમલામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. હુમલાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે જેમાં ડ્રોન ઈમારતો સાથે ટકરાતાં દેખાય છે. આ હુમલા બાદ રશિયાનાં બે એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યાં છે.
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આ હુમલા યુક્રેન દ્વારા કરવામાં આવ્યા છે. ડ્રોન હુમલા બાદ કઝાન એરપોર્ટ પરની હવાઈ સેવા બંધ કરી દેવામાં આવી છે. કઝાન શહેર રશિયાની રાજધાની મોસ્કોથી લગભગ 800 કિલોમીટર પૂર્વમાં આવેલું છે. આ ડ્રોન હુમલા કાઝાનમાં છ રહેણાંક મકાનો પર થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કઝાન શહેર યુક્રેનની સરહદથી લગભગ 900 કિલોમીટર પૂર્વમાં આવેલું છે અને ભૂતકાળમાં પણ યુક્રેન દ્વારા કઝાનમાં ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે. રશિયાના સંરક્ષણ પ્રધાને દાવો કર્યો છે કે તેમની સેનાએ 12 યુક્રેનિયન ડ્રોનને નષ્ટ કરી દીધા છે. યુક્રેનિયન મીડિયાનો દાવો છે કે ગઈકાલે રાત્રે રશિયાના રોસ્ટોવમાં બે ઓઈલ ડેપોમાં આગ લાગી હતી. આ આગ પણ કથિત યુક્રેનિયન ડ્રોન હુમલાને કારણે થઈ હતી.
જણાવી દઈએ કે માત્ર ચાર દિવસ પહેલા જ રશિયાના ન્યુક્લિયર ચીફ ઇગોર કિરિલોવનું મંગળવારે મોસ્કોમાં થયેલા બ્લાસ્ટમાં મોત થયું હતું. હુમલા સમયે કિરિલોવ એપાર્ટમેન્ટમાંથી બહાર આવી રહ્યા હતા ત્યારે નજીકમાં પાર્ક કરેલા સ્કૂટરમાં વિસ્ફોટ થયો હતો. જેમાં કિરિલોવ માર્યા ગયા હતા.
બે દિવસ પહેલાં જ રશિયન રાષ્ટ્રપતિ પુતિને કહ્યું હતું કે તેઓ યુક્રેન યુદ્ધ રોકવા માટે તૈયાર છે. આ માટે તેઓ ટ્રમ્પ સાથે વાત કરવા તૈયાર છે. પુતિને કહ્યું હતું કે તેમની વચ્ચે ચાર વર્ષથી વધુ સમયથી કોઈ વાતચીત થઈ નથી પરંતુ જો ટ્રમ્પ ઈચ્છે તો તેઓ તેમને મળવા તૈયાર છે.
ગત ઓક્ટોબરમાં જ બ્રિક્સ કોન્ફરન્સના કારણે કઝાન શહેર સમગ્ર વિશ્વમાં સમાચારોમાં હતું. રશિયાએ કઝાનમાં બ્રિક્સ સમિટનું આયોજન કર્યું હતું. બ્રિક્સ સમિટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી. રશિયાના ઈતિહાસમાં કાઝાનનું મહત્ત્વનું સ્થાન છે અને આ શહેર રશિયાના ઉદ્યોગ, સંસ્કૃતિ અને ધર્મનું મુખ્ય કેન્દ્ર છે. તેને રશિયાની ત્રીજી રાજધાની અથવા રમતગમતની રાજધાની પણ કહેવામાં આવે છે. રશિયાએ કાઝાનમાં અનેક આંતરરાષ્ટ્રીય રમતગમતના કાર્યક્રમોનું આયોજન કર્યું છે. આર્થિક રીતે કાઝાન પાવરહાઉસ છે. આ શહેર રશિયાની અગ્રણી ટ્રક ઉત્પાદક કંપની કામાઝનું ઘર છે અને પેસેન્જર એરોપ્લેન અને હેલિકોપ્ટરના ઉત્પાદનમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. કાઝાનના એન્જિનિયરિંગ, ટેક્સટાઇલ અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગો ખૂબ સમૃદ્ધ છે.