ખેરગામ: (Khergam) ખેરગામ નજીકના એક ગામની ધોરણ સાતમા ભણતી વિદ્યાર્થિની (Student) વેકેશનમાં બહેનની સાસરીમાં રહેવા ગઈ હતી. દરમિયાન ગત 19મીએ બહેન અને જીજાજી જલારામ જયંતીમાં જતા સગીરા ઘરમાં એકલી જ હતી. ત્યારે પડોશમાં રહેતા જીજાજીનો સંબંધી સગીરાનું મોં દબાવી સગીરાને ઊંચકી ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં સગીરા ઉપર બળાત્કાર (Abuse) ગુજાર્યો હતો.
- દિવાલ વગરના ઘરમાં સૂતેલી સગીરાને ઊંચકી જઈ નરાધમનો બળાત્કાર
- સગીરા વેકેશનમાં બહેજ ગામમાં બહેનના સાસરે રહેવા ગઈ હતી
- બહેન અને બનેવી રૂઝવણી ગામે જલારામ જયંતીમાં જતાં સગીરા ઘરમાં એકલી જ હતી
- પડોશમાં રહેતા બનેવીના કુટુંબીએ બળાત્કાર કર્યા બાદ કહ્યું: ‘તું આ વાત કોઈને કહેતી નહીં, હું તને કપડાં અને મોબાઈલ લઈ આપીશ
- ફરિયાદ નોંધાયા બાદ ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પોલીસે જેલ ભેગો કર્યો
ગભરાયેલી સગીરા આરોપીથી છટકીને કપડાં વગર બહેનના ઘર તરફ દોટ મૂકી હતી. બહેન અને બનેવી કાર્યક્રમમાંથી આવ્યા બાદ સગીરાને શોધતાં તે દીવાલને અડીને રડતી જોવા મળી હતી. સગીરાએ સમગ્ર ઘટના અંગે જણાવતાં તેઓ હતપ્રદ થઈ ગયા હતા. આ ઘટનામાં અંતે પરિવારે આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને જેલ ભેગો કરી દીધો હતો.
ખેરગામના એક ગામની બાર વર્ષની સગીરા દિવાળી વેકેશનમાં મોટી બહેન સાથે બહેજ ખાતે રહેવા ગઈ હતી. 19 નવેમ્બરે સગીરાના જીજાજી અને બહેન રૂઝવણી ખાતે જલારામ જયંતી હોવાથી મહાપ્રસાદી માટે ગયાં હતાં. સગીરા ઘરે એકલી હતી. દરમિયાન રાત્રે 9:45 વાગ્યે બહેન અને બનેવી પરત આવતાં સગીરા ઘરે જોવા મળી ન હતી. આથી ગભરાયેલી બહેને પિતાને ફોન કર્યો હતો. બાદમાં આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી અને પિતાને પણ બહેજ બોલાવી લીધા હતા. દરમિયાન શોધખોળ કરતા હતા, એ વેળા જમાઈના ઘરની પાછળથી રડતી હાલતમાં સગીરા ઘરમાં આવી હતી. તેની કમરની નીચેના ભાગે કપડાં જોવા નહીં મળતાં સગીરાની બહેને કપડાં પહેરાવી તેને શાંત પાડી હતી.
બાદમાં સગીરાએ કહ્યું હતું કે, ઘરની ફરતે ભીંત નહીં હોવાથી બાજુમાં રહેતો દાઢી-મૂછ અને લાંબા વાળવાળો સંજય જગુ વાઘીયાએ તમારા વિશે પૂછ્યું હતું. આથી સગીરાએ તેઓ જલારામ જયંતીમાં જમવા માટે ગયા હોવાનું કહેતા એ માણસ ત્યાંથી જતો રહ્યો હતો. સગીરાને ઊંઘ આવતી હોવાથી સૂવાની તૈયારી કરતી હતી. ત્યારે ફરી એ માણસ રાત્રે નવેક વાગ્યાના અરસામાં આવ્યો હતો. અને સગીરાનું મોઢું દબાવીને ઊંચકી આંબાવાડીમાં લઈ ગયો હતો. જ્યાં શારીરિક સંબંધ બાંધ્યો હતો. એ પછી તને કપડાં અને મોબાઈલ લઈ આપીશ, પણ આ વાત કોઈને કરતી નહીં એમ કહ્યું હતું. આ તરફ સગીરા ગાયબ હોવાથી તેની બહેન શોધખોળ કરતાં આંબાવાડી તરફ આવી હતી.
આથી ગભરાયેલી સગીરાએ બૂમ મારવાની કોશિષ કરી હતી, પરંતુ સંજયે તેનું મોં બંધ કરી દીધું હતું. એ પછી સગીરાની બહેન પણ ત્યાંથી જતી રહી હતી. આરોપી સંજયે મોઢા પરથી હાથ હટાવી દીધો હતો. દરમિયાન સગીરા નરાધમના પંજામાંથી છટકીને ઘર તરફ દોડી ગઈ હતી. સગીરાની વાત સાંભળીને તેની બહેન પડોશમાં ગઈ હતી. પરંતુ સંજય ઘરે જોવા મળ્યો ન હતો. આરોપી સગીરાના બનેવીનો સંબંધી હોવાથી પહેલા તો કોઈ ફરિયાદ થઈ ન હતી. બાદમાં આરોપી સંજય સામે ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનાની ગંભીરતા પારખીને ખેરગામ પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો હતો.