કાનપુર (Kanpur): કાનપુરના એક ગેસ્ટ હાઉસમાં કામ કરતા નોકરને (ServantMurder) એટલી નિર્દયતાથી મારવામાં આવ્યો કે તેનું મોત થઈ ગયું. માલિકના દીકરાએ નોકરીને પહેલાં માર્યો પછી તેના પગના નખ ખેંચ્યા. તેનાથી પણ સંતોષ ન થતાં કૂતરા સામે ફેંકી દેવામાં આવ્યો. ભૂખ્યા કૂતરાંએ તેને ચૂંથીને મારી નાંખ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ઓછો પગાર મળતો હોવાના લીધે નોકરી છોડી દેનાર નોકર પર માલિકનો દીકરો ગુસ્સે ભરાયો હતો. 50 વર્ષના નોકરને માલિકના પુત્રએ બેરહેમીથી માર માર્યો હતો. નોકર પર સામાનની ચોરીનો આરોપ મુકી તેને ખૂબ માર્યો.
આ આખો મામલો કાનપુરના રાવતપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે, જ્યાં કચ્છી મઢૈયાના એમ બ્લોકમાં રહેતો બિટ્ટુ (ઉં.વ. 50) એક ગેસ્ટ હાઉસમાં કામ કરતો હતો. પરંતુ ત્યાં પગાર ઓછો હોવાથી તેણે નોકરી છોડી દીધી અને નજીકની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરવા લાગ્યો હતો.
ગેસ્ટ હાઉસના માલિકનો દીકરો નોકર બિટ્ટુને ગેસ્ટ હાઉસમાં ફરી નોકરી પર જોડાવા સતત દબાણ કરી રહ્યો હતો. પરંતુ બિટ્ટુએ તેની વાત માનતો ન હતો. તેથી ગુસ્સામાં ગેસ્ટ હાઉસના માલિકના પુત્રએ બિટ્ટુ સાથે મારપીટ કરી હતી.
બિટ્ટુના પરિવારજનોએ આક્ષેપ કર્યો કે, 6 સપ્ટેમ્બરની સાંજે ગેસ્ટ હાઉસના માલિકના પુત્રએ બિટ્ટુનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેના સાગરિતો સાથે મળીને તેને નિર્દયતાથી માર માર્યો હતો. આ દરમિયાન બિટ્ટુના અંગૂઠાનો નખ ઉખડી ગયો હતો અને તેને કૂતરો પણ કરડ્યો હતો. બિટ્ટુ અર્ધ મૃત થઈ ગયા પછી તેને ઘર પાસે ફેંકી તેઓ ભાગી ગયા હતા.
સવારે જ્યારે સફાઈ કામદારે જોયું તો તેણે પરિવારને જાણ કરી હતી. પરિવારના સભ્યોએ તરત જ બિટ્ટુને હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. પરિવારજનોએ 9 સપ્ટેમ્બરે રાવતપુર પોલીસ સ્ટેશનમાં આ અંગેની જાણ કરી હતી. હાલ પોલીસે ફરિયાદ પત્ર લઈને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મુખ્ય આરોપી સહિત ત્રણ લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. એડીસીપી લખન યાદવે કહ્યું કે કુલ 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે કલમ 302 સહિત એસસી-એસટીનો કેસ નોંધવામાં આવ્યો છે. ઉપરાંત તેને રિમાન્ડ પર લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે. માલસામાનની ચોરીની શંકાએ માર મારવાનો મામલો પણ સામે આવ્યો છે.