Gujarat

સુરતના કેપી ગ્રુપએ ઈતિહાસ રચ્યો: દક્ષિણ ગુજરાતમાં પહેલીવાર પવનચક્કી નાંખવાનાં દ્વાર ખોલી નાખ્યા

પહેલા જ્યાં ભાવનગર, પોરબંદર અને કચ્છ પંથકમાં જ પવનચક્કી નાખવામાં આવી હતી ત્યાં સુરતના જાણીતા કેપી ગ્રુપ દ્વારા ઈતિહાસ રચતા હોય તેમ દક્ષિણ ગુજરાતની ધરતી પર સૌપ્રથમવાર હાઈબ્રિડ પોલીસે અંતર્ગત વિન્ડ ટર્બાઈન ઈન્સ્ટોલ કરીને તેને કમિશનિંગ કર્યું છે. કેપી ગ્રુપ કંપનીના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર ફારુક જી. પટેલના વિઝન અને સાયન્ટિફિક એપ્રોચને કારણે આ પ્રોજેક્ટ આગળ વધ્યો અને કેપી ગ્રુપના નેજા હેઠળ ચાલતી કેપીઆઈ ગ્રીન એનર્જી લિમિટેડ(એનએસઈ-બીએસઈ લિસ્ટેડ)કંપનીએ હાઈબ્રિડ પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ જિલ્લાના કોરા ગામ ખાતે કુલ 7 વિન્ડ ટર્બાઈન નાંખી છે, જ્યારે સારોજ અને સામોજમાં સોલાર પ્લાન્ટ નંખાયો છે. કેપી ગ્રુપના આ ખૂબ જ અભ્યાસુ સાહસથી રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રને નવી દિશા મળી છે અને દક્ષિણ ગુજરાતમાં પવનચક્કી સેક્ટરમાં નવા બીજ રોપાયા છે.

કંપનીના સીએમડી ફારુક જી. પટેલે કહ્યું કે, ગુજરાત સરકારની બિઝનેસ ફ્રેન્ડલી રિન્યુએબલ એનર્જી પોલિસીને કારણે પ્રોજેક્ટ સરળતાથી પૂરો કરી શકાયો. ટર્બાઇનની ત્વરિત જોગવાઈ કરવા બદલ સુઝલોન અને સેવિયોન કંપનીનો પણ આભાર વ્યક્ત કર્યો. ફારુક પટેલે નોવિયો જ્વેલરી એલએલપીના પ્રમોટર બકુલ લિમ્બાસિયાનો વિશેષ આભાર વ્યક્ત કરતા કહ્યું કે, તેઓએ અમારી કંપનીના વિઝનમાં પ્રથમ વિશ્વાસ કરીને રોકાણ કર્યું. તેઓએ ભરોસો મુકવા બદલ સ્ટેકહોલ્ડર્સનો પણ આભાર વ્યક્ત કર્યો. ફારુકે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 500 ગીગાવોટ્સના રિન્યુએબલ એનર્જીના લક્ષ્યમાં અમે પણ યોગદાન આપી રહ્યાં છે તે અમારા માટે ગર્વની વાત છે. આ સાત વિન્ડ ટર્બાઈનો નોવીયો જ્વેલરી એલએલપી, ગ્રીન લેબ ડાયમંડ, મોનો સ્ટીલ માટે સીપીપી હેઠળ અને એક ટર્બાઈન કેપીઆઈ ગ્રીન એનર્જી લિ.એ પોતે આઈપીપી હેઠળ ઈન્સ્ટોલ કરી છે. કેપી ગ્રુપ દક્ષિણ ગુજરાતમાં બીજા ઘણા પ્રોજેક્ટ્સ સ્થાપિત કરવા માટે આતુર છે અને તે વર્ષ 2025 સુધીમાં 2 ગીગાવોટ્સ સોલાર-વિન્ડ પ્રોજેક્ટ કરવાનો લક્ષ્ય ધરાવે છે.

Most Popular

To Top