કામરેજ : કામરેજના આંબોલીમાં ઉધાર આપેલા રૂપિયા 2.60 લાખ પરત કરવા નહીં પડે તે માટે મોટા ભાઇએ નાના ભાઇના પરિવાર ઉપર હુમલો કર્યો હતો. એટલું જ નહીં નાના ભાઈની પત્નીનો ડ્રેસ ફાડી નાંખી છેડતી કરતાં તેણીએ ઉંદર મારવાની દવા પી લીધી હતી. આ બનાવની ફરિયાદ થતાં કામરેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર આ બનાવની ફરિયાદ કામરેજ તાલુકાના આંબોલી ગામે એકતા એપાર્ટમેન્ટમાં રહેતા અને આંબોલી ચાર રસ્તા ખાતે જીલાની મેટ્રેસિસના નામે ગાદલા બનાવવાની દુકાન ધરાવતાં સલીમ હુસેન મુલતાનીએ કરી હતી.
તેમણે તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, સ્ટારનગર ખાતે રહેતા તેમના મોટા ભાઈ બિલાલને તેમણે 2,60,000 ઉધાર આપ્યા હતાં. બે દિવસ પહેલા તે રૂપિયા લેવા માટે તેઓ મોટાભાઇ બિલાલની આંબોલી ખાતે આવેલી મની ટ્રાન્સફરની ઓફિસે ગયા હતાં. તે સમયે તે ત્યાં નહીં મળતાં તેઓ ઘરે ચાલ્યા ગયા હતાં. ત્યારબાદ તેમણે ઘરેથી ભત્રીજાને ફોન કરીને રૂપિયાની સામે આપેલો ચેક બેંકમાં નાંખુ કે નહીં તેમ પૂછતા તેમના ભત્રીજાએ પિતા કઠોર દવાખાને ગયા હોવાનું કહ્યું હતું. તેથી તેઓ પુત્ર સાહિલને લઇને મોટાભાઇને મળવા દવાખાને જઇ રહ્યાં હતાં ત્યારે તેમનો મોટોભાઇ રસ્તામાં એમ.એ.આઇ હાઇસ્કૂલ પાસે જ મળી ગયો હતો.
તેમણે મોટાભાઇ પાસે ઉધાર આપેલા રૂપિયા પરત માંગતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને રૂપિયા આપવાની ના પાડી ગાળો બોલવા લાગ્યો હતો. તેમના પુત્ર સાહિલે કાકાને ગાળો આપવાની ના પાડતાં બિલાલે તેને પણ ગાળો આપી હતી જેથી ઉશ્કેરાયેલા સાહિલે કાકાની કારના કાચ પર હાથ મારતાં કાચ તૂટી ગયો હતો. તે સમયે ત્યાં હાજર લોકોએ સમાધાન કરાવતાં બંને પોતપોતાના ઘરે ચાલ્યા ગયા હતાં.
દરમિયાન ગુરુવારે રાત્રે પોણા આઠવા વાગ્યે ફરિયાદી સલીમભાઇ અને તેમનો પુત્ર સાહિલ ગાદલાની ડિલિવરી કરવાના હોવાથી રિક્ષામાં ગાદલું બાંધી રહ્યાં હતા. તે સમયે તેમનો મોટોભાઇ બિલાલ મુલતાની, તેમનો ભત્રીજો સમીર રાબિયા રો હાઉસમાં રહેતો તેમના મોટાભાઇનો જમાઇ સાહિલ મેમણ અને અંબુ પંચોલી ધસી આવ્યા હતાં અને તેમના પુત્રને માર મારવા લાગ્યા હતાં. જેથી તેમની પત્ની ઝરીના તેમના પુત્રને છોડાવવા વચ્ચે પડતાં તેમના મોટાભાઇએ તેમની પત્નીનો ડ્રેસ ફાડી નાંખ્યો હતો અને છેડતી કરી હતી.
આ બાબતે લાગી આવતા ઝરીનાએ ઉંદર મારવાની દવા પી લેતા તેને ખોલવડની દીનબંધુ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તેમણે આ બાબતે કામરેજ પોલીસ મથકમાં બિલાલ મુલતાની, જમાઈ સાહિલ મેમણ, સમીર મુલતાની, અબુ પંચોલી સામે ફરિયાદ નોંધાવી હતી.