Gujarat

મોંઘવારી અને કેન્દ્ર સરકારની ઉદ્યોગપતિઓ સાથે મળીને લૂંટની નીતિના વિરોધમાં કોંગ્રેસ દ્વારા પદયાત્રા યોજાઈ

અમદાવાદ: ગુજરાત (Gujarat) સહિત સમગ્ર દેશભરમાં મોંઘવારીએ માંઝા મૂકી છે. ચારે તરફ ભયંકર બેરોજગારી, આર્થિક અસમાનતા, મંદી સહિતની અનેક મુશ્કેલીઓ લોકોને રડાવી રહી છે. બીજી તરફ ભાજપ (BJP) સરકારની ઉદ્યોગપતિ મિત્રોને માલામાલ કરવાની નીતિને કારણે આજે રોટી અને રોજગાર ગાયબ થઈ ગયો છે. સામાન્ય જનતાના પ્રશ્નોને લઈ આજે અમદાવાદમાં કોંગ્રેસે (Congress) હાથ સે હાથ જોડો પદયાત્રા યોજી ભાજપ સરકારની નીતિઓનો ઉગ્ર વિરોધ કર્યો હતો.

પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા સહિત કોંગ્રેસના ધારાસભ્યો, અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં અમદાવાદના સરદારબાગથી પાલડી, રાજીવ ગાંધી ભવન સુધી પદયાત્રા યોજી હતી. આ યાત્રા દરમિયાન કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સુત્રોચાર અને મોધવારી, બે-રોજગારી, ઉદ્યોગપતિઓ સાથેની મિલીભગના વિરોધ પ્લેકાર્ડ દર્શાવ્યા હતા.

પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે ‘હાથ સે હાથ જોડો’ પદયાત્રા બાદ જણાવ્યું હતું કે, ચારેબાજુ મોઘવારી, ભયંકર બેરોજગારી, આર્થિક અસમાનતા, ધંધા રોજગારમાં ભીષણ મંદી સહીતની મુશ્કેલીઓમાંથી રાહત આપવાને બદલે લોટ, તેલ સહીતની જીવન જરૂરિયાત ચીજવસ્તુઓમાં સતત ભાવ વધારાથી ગુજરાતની જનતા પીસાઈ રહી છે. રોજીંદા જીવનજરૂરીયાત ચીજવસ્તુઓના ભાવ આસમાને થયા છે. ખાદ્યતેલના ભાવમાં છેલ્લા ત્રણ દિવસમાં ૧૫૦ રૂપિયાના થયેલા ભડકાથી સામાન્ય – મધ્યમવર્ગનું બજેટ ખોરવી નાખ્યું છે. ગરીબ, સામાન્ય અને મધ્યમવર્ગે શું ખાવું ? ભાજપ સરકારની લુટનું મોડેલ. ભાજપ સરકારની નીતિને કારણે રોટી અને રોજગાર ગાયબ થયો છે. ચુંટણી સમયે ભાજપને કરોડો રૂપિયાનું ફંડ આપનાર તેલિયા રાજાઓ ચુંટણી પતી ગયા બાદ મન ફાવે તે રીતે ગુજરાતની જનતાને લુટી રહ્યા છે.ભાજપ સરકારનું મોઘવારી મુદ્દે સૂચક મૌન તેની સાબિતી છે.

જગદીશ ઠાકોરે વધુમાં કહ્યું હતું કે, હાલમાં આખો દેશ ખાસ કરીને સામાન્ય – મધ્યમ વર્ગ ભાજપ સરકારની રીતિ અને નીતિઓથી ચિંતિત છે. ભાજપ સરકાર દ્વારા અદાણી જૂથમાં એલઆઈસી અને એસબીઆઈ જેવી સરકારી સંસ્થાઓના અત્યંત જોખમી વ્યવહારો અને રોકાણોએ, એલઆઈસીના 29 કરોડ પોલિસી ધારકો અને એસબીઆઈના 45 કરોડ ખાતાધારકો પર પ્રતિકૂળ અસર કરી છે. છેલ્લા કેટલાક દિવસોમાં એલ.આઈ.સી.દ્વારા અદાણી જૂથમાં જંગી રોકાણથી એલઆઈસી અને એસબીઆઈ અને અન્ય ભારતીય બેંકોને ભારે નુકસાની સહન કરવી પડી રહી છે.

વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની ‘મિત્રનિતી’ ને કારણે થયેલા અદાણી મહાગોટાળાની તપાસ સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા કરવાની માંગ સાથે અમદાવાદમાં સરદાર બાગથી રાજીવ ગાંધી ભવન સુધીની પદયાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરો – આગેવાનો – સ્થાનિક નાગરિકો જોડાયા હતા. બેફામ બેરોજગારી, વ્યાપક પ્રમાણમાં પેપરલીંક, સરકારી ભરતીઓમાં મોટા પાયે ગેરરીતિ, ગોટાળા, ખેડૂતોની આર્થિક નાજૂક હાલાત, નુકસાન, મહિલાઓ પર સતત વધતા જતા અત્યાચારની સામે ‘હાથ થી હાથ જોડો’ યાત્રા યોજાઈ હતી.

Most Popular

To Top