કામરેજ: (Kamrej) મોટરસાઇકલ (Motorcycle) પર જઇ રહેલા બે મિત્રોને વેલંજા પાસે અકસ્માત (Accident) નડતાં એકનું મોત થઇ ગયું હતું. આ ઘટનાની મળતી માહિતી અનુસાર મૂળ ભાવનગરના તળાજાના ટીંમાણા ગામના અને હાલમાં સુરતના પૂણાગામ સ્થિત નંદનવન સોસાયટીમાં રહેતા બાલાભાઇ માવજીભાઇ રાઠોડ કર્મકાંડ કરે છે. તેમનો મોટો પુત્ર સંજય મિત્ર સાથે મોટરસાઇકલ નંબર જીજે 05 એફએસ 3587 લઈને ઉમરા થી વેલંજા જતાં રોડ ઉપરથી પસાર થઇ રહ્યાં હતાં ત્યારે વેલંજા ગામની હદમાં કોઇ વાહને તેમને અડફેટે લઇ લીધા હતાં. આ ઘટનામાં સંજયને ડાબા પગે તેમજ ગુપ્ત ભાગે ગંભીર ઇજા થતાં તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું. આ બનાવ અંગે કામરેજ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાપી-દેગામ માર્ગ પર વાહનની ટક્કરે બાઈક ચાલકનું મોત
વાપી : વાપી ડુંગરા પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, રાની ફળિયા, આહવામાં શાહરૂખ મુસ્તકીમ શાહ (ઉં.26) તથા તેમનો કુટુંબી સાળો ભાવેશ સુનિલ ચૌધરી (ઉં.23) રહે છે. વાપી કોર્ટમાં તારીખ હોવાથી સાળા-બનેવી બાઈક નં. જીજે-21 એ-3871 લઈને આવી રહ્યા હતાં. તેઓ વાપી દેગામ, ગંગાજી ફળિયું, સ્મશાન સામેના માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પીકઅપ વાહનની ટક્કર બાઈકને લાગતા બંને ફેંકાઈ ગયા હતાં. આ બાઈક કુટુંબી સાળો ભાવેશ ચલાવતો હતો અને તેને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે શાહરૂખને નાની-મોટી ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ તરત જ શાહરૂખે 108ને ફોન કર્યો હતો. તેને ધરમપુર હોસ્પિટલ સારવાર માટે ખસેડતા સાળા ભાવેશને ગંભીર ઈજા હોય ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. જે બનાવની ફરિયાદ ડુંગરા પોલીસ મથકે શાહરૂખ શાહે નોંધાવી હતી.