સિડની: ન્યુઝીલેન્ડના મહિલા વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્ને પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેઓ ફેબ્રુઆરીમાં વિધિવત રાજીનામું આપશે. ગુરુવારે તા. 19 જાન્યુઆરીના રોજ જેસિન્ડાએ પોતાની લેબર પાર્ટીના સભ્યોની બેઠકમાં કહ્યું, “મારો સમય પૂરો થયો છે. હવે બીજા ચાર વર્ષ કામ કરવાની ક્ષમતા મારામાં રહી નથી.” જેસિન્ડાએ 2017 માં ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન પદ પર આરૂઢ થયા હતા. ગઠબંધન સરકારના તેઓ વડા પ્રધાન બન્યા હતા. વડાપ્રધાન બન્યા બાદ જેસિન્ડાએ સેન્ટ્રલ અને લેફ્ટ લેબર પાર્ટીને ત્રણ વર્ષ બાદ ચૂંટણીમાં વ્યાપક જીત અપાવી હતી, પરંતુ તાજેતરની ચૂંટણીમાં તેમની પાર્ટી અને વ્યક્તિગત લોકપ્રિયતામાં ઘટાડો જોવા મળ્યો છે.
સંસદના ઉનાળું સત્રના બ્રેક પરથી પરત ફર્યા બાદ જેસિન્ડાએ લેબરના વાર્ષિક કોકસ રીટ્રીટમાં જણાવ્યું હતું કે બ્રેક દરમિયાન તેમને લાગ્યું હતું કે તેઓ નેતા તરીકે ચાલુ રાખવા માટે ઊર્જા મેળવશે, પરંતુ તેઓ આમ કરી શકયા નહીં. આર્ડર્ને કહ્યું કે આગામી સામાન્ય ચૂંટણી શનિવાર, 14 ઓક્ટોબરના રોજ યોજાશે અને ત્યાં સુધી તે મતદાર સાંસદ તરીકે રહેશે. તેણીએ કહ્યું, “હું છોડી રહી છું તેનો મતલબ એ નથી કે અમે આગામી ચૂંટણી જીતી શકતા નથી, પરંતુ હું માનું છું કે અમે જીતી શકીએ છીએ અને જીતીશું.”
જેસિન્ડા આર્ડર્ને કહ્યું કે પોતે 7 ફેબ્રુઆરીના રોજ વિધિવત રાજીનામું આપશે. નવા નેતાની પસંદગી માટે લેબર કોકસ 22 જાન્યુઆરીએ મતદાન કરશે. નાયબ વડા પ્રધાન ગ્રાન્ટ રોબર્ટસને કહ્યું કે તેઓ તેમનું નામ આગળ નહીં મૂકે. 42 વર્ષીય જેસિન્ડા આર્ડર્ને રાજીનામાની ઘોષણા કરતી વેળા કહ્યું કે મારા રાજીનામા પાછળ કોઈ રહસ્ય નથી. હું માનવ છું. હું જેટલું કરી શકતી હતી તેટલું કર્યું છે. હવે મારો સમય આવી ગયો છે. હું થાકી છું. હવે મારામાં વધુ જવાબદારી નિભાવવાની ક્ષમતા નથી. તેથી હું છોડી રહ્યો છું કારણ કે વડાપ્રધાન પદ એક મોટી જવાબદારી છે. તે વિશેષાધિકાર સાથે ખૂબ જ મહત્ત્વની જવાબદારી છે. તેથી એ નક્કી કરવું આવશ્યક છે કે તમે આ જવાબદારી નિભાવવા માટે દેશનું નેતૃત્વ કરવા માટે હવે યોગ્ય વ્યક્તિ છો કે નહીં. એ જાણવું ખૂબ જ જરૂરી છે. મારો સમય આવી ગયો છે એટલે જ હું હવે છોડું છું.