Entertainment

નોરાની ’ફતેહ’નું સુ(કેશ) કનેક્શન છે?

નોરા ફતેહીની ચર્ચા આમ તો તેની બ્યુટીને કારણે થાય છે પણ હમણાં મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથે તેનું નામ જોડાયું છે. જો કે તે એક નથી. સુકેશ સાથેની યાદીમાં તો જેકલીન ફર્નાન્ડિસ, નિકી તંબોલી, ચાહત ખન્ના, સોફિયા સિંહ અને અરુષા પાટિલ પણ છે જેણે સુકેશ પાસેથી ભેટો મેળવી હોય. નોરાએ સુકેશ પાસેથી બીએમડબલ્યુ કાર, ગૂચીની બેગ અને આઇફોન મળ્યો છે. તેણે ઉમેર્યું છે કે પ્રેમ અને સમ્માનરૂપે તેને આ ભેટ મળી છે. તમે આ પ્રેમ શબ્દની જગ્યાએ સેકસ વાપરો તો વધારે યોગ્ય રહેશે કે જે છ – છ એકટ્રેસને ભેટ મોકલતો હોય ને સ્વયં અપરાધી હોય તેને પ્રેમમાં શું કામ રસ પડે?

ખોટી રીતે મેળવેલા રૂપિયાથી તે મૌજ જ કરવા માંગતો હોય. વિત્યા સમયમાં દાઉદ ઇબ્રાહીમ સાથે પણ અમુક અભિનેત્રીઓ લપેટાયેલી અને એવા નામોમાં મંદાકિની, મોનિકા બેદી, મમતા કુલકર્ણી, સોના જેવી ઘણી છે. મોનિકા અને અબુ સાલેમ વર્ષો વિદેશમાં સાથે રહેલા. મમતા કુલકર્ણી વિક્રમ ગોસ્વામી નામના અંડરવર્લ્ડ ડોન સાથે હતી. મધુબાલા જેવી દેખાતી સોના તો હાજી મસ્તાનને પરણેલી. દાઉદનું નામ મંદાકિની ઉપરાંત અનિતા અયુબ સાથે પણ સંકળાયેલું. આ સંજોગોમાં જેકલીન, નોરા જેવી એકટ્રેસ સુકેશ સાથે રિલેશન ધરાવતી હોય તો નવાઇ પામવા જેવું નથી.

વાત તો એવી છે કે આ અભિનેત્રીઓનાં નામ અંધારી આલમના લોકો સાથે જોડાવા છતાં તેમને ફિલ્મો મળતી રહી છે. જેકલીન પાસે અત્યારે પણ ‘સરકસ’ અને ‘રામસેતુ’ જેવી ફિલ્મો છે. નોરા ફતેહીની ‘થેન્ક ગોડ’ રજૂ થવાની તૈયારીમાં છે અને ‘૧૦૦ ટકા’ માં તો તે મુખ્ય અભિનેત્રી છે. તેને તેની બ્યુટીને કારણે પણ જો તે પોતાને મેનેજ ન કરતી હોય તો મુશ્કેલી ઊભી થઇ શકે. જેકલીન તો સલમાનની ખાસ ફ્રેન્ડ છે તો તે પણ તેને રોકી ન શકયો? કે પછી આ ફ્રેન્ડશીપ ફકત અમુક પ્રકારની જ છે?

નોરા ફતેહી કોઇ ગ્રેટ એકટ્રેસ નથી અને મૂળ મોરોકકોની છે એટલે ઇમેજ બાબતે પણ બેપરવાહ હોય તે સમજી શકાય એમ છે. આજકાલ પોતાને ચર્ચામાં રાખવા ઇન્સ્ટાગ્રામ પણ સેન્સેશનલ ફોટોગ્રાફસ મુકનારી અભિનેત્રીઓ અનેક છે. નોરા તો આઇટમ સોંગથી જ જાણીતી છે હવે તે મુખ્ય અભિનેત્રી બનવા જઇ રહી છે. ડાન્સ અને સેકસ સિવાય તે સ્ક્રિનને કશું આપી નહીં શકે તો નિષ્ફળ જશે. સની લિઓની ઘણી બદલાઇ ગઇ છે તેમ નોરાએ બદલાવું પડશે.

નોરા એક સમયે અંગદ બેદી સાથે ચર્ચાતી હતી પણ એ કિસ્સો પૂરો થયો ત્યાં સુકેશ સાથેનો નવો ઉમેરાયો છે. ફિલ્મોમાં પોતાની ભૂમિકાને કારણે ચર્ચામાં રહે તો બરાબર પણ ફિલ્મ બહારના સંબંધોને કારણે ચર્ચામાં રહે તો એક સમયે કારકિર્દી અટકી જતી હોય છે. ભૂતકાળમાં એવી ઘણી અભિનેત્રીઓ ચર્ચાસ્પદ રહ્યા પછી ગાયબ થઇ ગઇ હતી. બાકી, નોરામાં ફિલ્મ બિઝનેસને સમજી પોતાની ટેલેન્ટ નિખારવાની તત્પરતા જરૂર છે. હમણાં તેણે ‘ડર્ટી લિટલ સિક્રેટ’ ગીતનું દિગ્દર્શન પણ કર્યું હતું. સુકેશ જેવામાં લપેટાશે તો મુશ્કેલી ઊભી કરશે.  •

Most Popular

To Top