Entertainment

પરિણીતીને જોઈએ… બસ સારા પરિણામ

પરિણીતી ચોપરાની છાપ ચુલબુલી મિજાજની છે ને છતાં પોતાના પ્રચારમાં કારણ વિનાનું બોલતું નથી. કહેવાય છે કે બોલે તેના બોર વેચાય પણ પરિણીતીના બોર એટલે વેચાય છે કે તે બોલતી નથી. તે ગમે તેવા સંજોગોમાં પોતાની સ્વસ્થતા જાળવી રાખે છે. આ સ્ટાર સાથે ફિલ્મ મેળવું અને પેલા બેનરની ફિલ્મ મેળવી લઉં એવું વલણ તેનું નથી. અત્યાર સુધીની તેની જે કારકિર્દી બની છે તેમાં સલમાન, શાહરૂખ, ઋતિક કે અક્ષયકુમાર ભાગ કરી શકે તેમ નથી. ‘લેડીઝ વર્સિસ રિકી બહેલ’ અને ‘કીલ દિલ’ તેની સાથે રણવીરસીંઘ હતો. ‘ઇશ્કજાદે’ અર્જૂન કપૂર, ‘હસી તો ફસી’ માં સુશાંતસીંઘ, ‘દાવત-એ-ઇશ્ક’માં આદિત્ય રોય કપૂર, ‘મેરી પ્યારી બિંદુ’ માં આયુષ્યમાન ખુરાના, ‘ગોલમાલ અગેઇન’માં અજય દેવગણ, ‘નમસ્તે ઇંગ્લેન્ડ’માં વળી અર્જૂન કપૂર, ‘કેસરી’માં અક્ષયકુમાર, ‘જબરીયા જોડી’માં સિધ્ધાર્થ મલ્હોત્રા, ‘સંદીપ ઔર રિંકી ફરાર’માં ફરી અર્જૂન કપૂર અને ‘સાઇના’માં તો બસ પરિણીતી જ કેન્દ્રમાં હતી. મોટા સ્ટાર્સ વડે મોટા થવાય એવું પરિણીતી માનતી નથી.

પરિણીતી એવું પણ નથી કરતી કે અમુક સમય થાય ને ઓછા વસ્ત્રોમાં ઇન્સ્ટાગ્રામ પર આવી જાય યા કોઇ વિવાદ કરી છાપે ચડે. પરિણીતી બસ કામ કરે છે. આ કારણે જ અત્યારે તેની પાસે પાંચ ફિલ્મ છે અને જે ફિલ્મ રજૂ થવાની તૈયારીમાં છે તેમાં સુરજ બડજાત્યાની ‘ઊંચાઇ’ અને સંદીપ રેડ્ડી વાંગાની ‘એનિમલ’ છે. પરિણીતી એ વાતની ય બહુ ચિંતા નથી કરતી કે તેની સાથે બીજી સહઅભિનેત્રી કોણ છે. મલ્ટી સ્ટારર ફિલ્મો કરે છે ત્યારે પોતે ખોવાય જશે એવો ભય પણ નથી. ‘એનિમલ’માં રણબીર કપૂર, રશ્મિકા મંદાના, બોબી દેઓલ છે અને તે એક ગેંગસ્ટર ડ્રામા ફિલ્મ છે. ‘ઊંચાઇ’માં અમિતાભ, અનુપમ ખેર, બોમન ઇરાની, ડેની વગેરે છે અને સાચું પૂછો તો નવી પેઢીના નામે પરિણીતી જ છે બાકી બધા સિનિયર્સ છે. ‘કોડનેમ: તિરંગા’માં રોની એજન્ટ બની તે જાસૂસી કરે છે અને તેમાં દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય, સવ્યસાચી ચક્રવર્તી છે. એની અક્ષયકુમાર સાથેની ‘કેપ્સ્યુલ ગીલ’ આવવાની છે જેમાં ખાણના મુખ્ય એંજિનિયરની વાત છે અને તે ૧૯૮૯ ના સાચા બનાવ આધારીત છે. પરિણીતી પાસે જે બીજી ફિલ્મો છે તેમાં ‘ઝહૂર’ અને ‘સનકી’ છે જે ફરી વરુણ ધવન સાથેનીછે.

પરિણીતી કોઇ એક-બે શૈલીની ફિલ્મોમાં ગોઠવાય નથી ગઇ. ફિલ્મોનું એવું છે કે પ્રેક્ષકોની ડિમાંડ બદલાતી રહે છે. અમુક જ પ્રકારની ફિલ્મોમાં કામ કરતા રહેવામાં શાણપણ નથી. પરિણીતી બને ત્યાં સુધી નવા દિગ્દર્શકો સાથે જ કામ કરે છે કે જેથી પ્રયોગો થઇ શકે. ‘કોડ નેમ તિરંગા’ રિલીઝની તૈયારીમાં છે અને તે કહે છે કે તમે મને નવા અવતારમાં જોશો. ‘સાઇના’માં ખેલાડી તરીકે દેખાયેલી પરિણીતી આ માટે જ ખાસ છે. ‘સંદીપ ઓર પિન્કી ફરાર’, ‘ધ ગર્લ ઓન ધ ટ્રેઇન’માં પણ તે નોખી હતી.

પરિણીતી ફિલ્મ રજૂ થતી હોય ત્યારે ચિંતા નથી કરતી. તે કહે છે કે બિઝનેસનું આખું માળખું અલગ છે. અમે તો ક્રિયેટિવિટી સાથે સંકળાયેલા છે. નિર્માતા પોતાની ફિલ્મની ચિંતા કરતા જ હોય છે તો તેમાં આપણે આપણી રીતે પ્રયત્ન કરવા. અત્યારે ઇમ્તિયાઝ અલીની ‘ચમકીલા’ સાઇન કરી ચુકેલી પરિણીતી સારી પટકથા અને દિગ્દર્શકો પર ભરોસો રાખે છે. અને હા, ટી.વી. પર તો ઘણીવાર તે કો-હોસ્ટ, મેન્ટર રહી ચુકી છે. આ ઉપરાંત તેના ગાયેલા ત્રણ ગીતો પણ આવી ચુકયા છે. પરિણીતી તમને સતત કશુંક નવું કરીને નિમંત્રીત કરે છે. •

Most Popular

To Top